વાયર ફ્રી સિટી મિશનમાં પાટણનો સમાવેશ: 100 ટકા અંડરગ્રાઉન્ડ કેબલિંગથી શહેર બનશે વાયર મુક્ત





પાટણ, તા. 04/06/2026


પાટણ શહેરનો ગુજરાત સરકારના મહત્ત્વાકાંક્ષી વાયર ફ્રી સિટી મિશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર પાટણ શહેરમાં 100 ટકા અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે, જેના કારણે ભવિષ્યમાં વીજ થાંભલાઓ અને ઉપરથી પસાર થતા વાયરો ભૂતકાળ બની જશે. હાલમાં આ પ્રોજેક્ટ માટે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.



ગુજરાતના શહેરોને વધુ સ્માર્ટ, સુંદર અને સુરક્ષિત બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રીન અને સ્માર્ટ સિટીના વિઝનને સાકાર કરવા માટે લેવામાં આવ્યો છે.


ઐતિહાસિક નગરી પાટણનો પણ આ મિશનમાં સમાવેશ થતાં સમગ્ર શહેરને વાયર મુક્ત બનાવવા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. UGVCLના નાયબ ઇજનેરના જણાવ્યા મુજબ સમગ્ર શહેરમાં સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં DPR તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આગામી 20મી તારીખ સુધીમાં આ DPR મંજૂરી અર્થે સરકારને સબમિટ કરવામાં આવશે.



પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે UGVCLના સિટી-1 અને સિટી-2 ડિવિઝનના અધિકારીઓ તેમજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી. હાલમાં નગરપાલિકાની મોટાભાગની સ્ટ્રીટ લાઈટો UGVCLના વીજ થાંભલાઓ પર આધારિત હોવાથી, અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઈટ વ્યવસ્થાને પણ નવી સિસ્ટમ સાથે જોડવાની જરૂર પડશે.


નગરપાલિકા અને વીજ કંપની વચ્ચેના સંકલન વિના આ કામગીરી શક્ય ન હોવાથી બંને વિભાગોએ આગોતરા આયોજન અને કામગીરીના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. આ પ્રોજેક્ટ સ્માર્ટ, આધુનિક અને સુરક્ષિત પાટણના નિર્માણમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.


નાગરિકોને મળશે અનેક ફાયદા


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ શહેરોની સુંદરતા વધારવા સાથે સુરક્ષાની દૃષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે.


અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી ચોમાસામાં વાવાઝોડા અથવા ભારે પવન દરમિયાન વાયર તૂટવાની અને શોર્ટ સર્કિટની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. કરંટ લાગવાના અકસ્માતોથી રાહત મળશે. ટેકનિકલ ફોલ્ટનું પ્રમાણ ઘટવાથી નાગરિકોને વધુ વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત 24 કલાક વીજ પુરવઠો મળી શકશે.


રાજ્ય સરકારે મિશનના પ્રારંભિક તબક્કા માટે અંદાજે રૂ. 500 કરોડની જોગવાઈ મંજૂર કરી છે. હાલ યુદ્ધના ધોરણે સર્વે અને આયોજનની કામગીરી ચાલી રહી છે, જ્યારે આગામી 20મી તારીખ સુધીમાં DPR સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.


✍️દિનેશ બી જાખેસરા , પાટણ