ઇંદરવા-ગાંજીસર કેનાલ: તંત્રની બેદરકારી સામે ખેડૂતોનો 'જાત મહેનત ઝિંદાબાદ'નો જંગ

પાટણ જિલ્લાના ગાંજીસર ગામે સિંચાઈ તંત્રની ઘોર બેદરકારીનો વરવો ચહેરો ખુલ્લો પડ્યો છે. ખેડૂતોની જીવાદોરી ગણાતી ઇંદરવા-ગાંજીસર મુખ્ય કેનાલ વર્ષોથી સફાઈ વિના સબડી રહી હતી, પરિણામે કેનાલમાં બાવળિયા, ઝાડી-ઝાંખરાં અને કચરાના ઢગલા જમા થઈ ગયા અને પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે અવરોધાયો. તંત્રની ઊંઘ ન ઊડતાં છેવટે ખેડૂતોના પાકને સહન કરવો પડ્યો ભારે ફટકો.

**રજૂઆતો પર રજૂઆતો, પણ તંત્રના કાન પર જૂ ન સરકી**

ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેનાલની દયનીય હાલત અંગે વારંવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નહીં. પરિણામે સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચી ન શકતાં પાક નિષ્ફળ જવાના આરે આવી ગયો.

**તંત્રની રાહ જોવાને બદલે ખેડૂતો પોતે મેદાનમાં ઉતર્યા*

તંત્ર તરફથી કોઈ મદદ ન મળતાં ગાંજુસરના ખેડૂતોએ કમર કસી. એકજૂથ થઈ, પોતાના જ ખર્ચે અને પરસેવાથી કેનાલમાં જામેલા બાવળિયા-ઝાંખરાં કાપી, પાણીનો રસ્તો જાતે ખુલ્લો કર્યો. આ સંઘર્ષ દરમિયાન ખેડૂતોએ ગજવેલા અવાજે 'જાત મહેનત ઝિંદાબાદ'નો નારો ગુંજાવ્યો — જે તંત્રની નિષ્ક્રિયતા સામે એક જડબાતોડ જવાબ સમાન બની રહ્યો.



ખેડૂતોનો સીધો સવાલ: જવાબદારી કોની?ખેડૂતોએ આકરા શબ્દોમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે કેનાલોની નિયમિત સફાઈ અને જાળવણીની જવાબદારી સરકારી તંત્રની હોવા છતાં, વર્ષોથી આ કામ કેમ કરવામાં આવ્યું નથી? જો ખરેખર નિયમિત નિરીક્ષણ અને જાળવણી થતી હોય, તો કેનાલની આટલી બદતર હાલત સર્જાઈ જ કેવી રીતે શકે? પાણીના અભાવે થયેલા પાક નુકસાનની જવાબદારી હવે તંત્રએ સ્વીકારવી જોઈએ, તેવી માંગ ખેડૂતોમાં પ્રબળ બની છે.


_✍️દિનેશ બી જાખેસરા, પાટણ