સરહદી પંથક વાવ-થરાદમાંથી આ સમયની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર!
vavtharad : સરહદી પંથક વાવ-થરાદમાંથી આ સમયની સૌથી મોટી અને ચોંકાવનારી ખબર! એ ખબર જે સાંભળીને કદાચ સત્તાના નશામાં ચૂર નેતાઓની ઊંઘ હરામ થઈ જશે. વાવ-થરાદમાં SOG પોલીસે ડ્રગ્સ માફિયાઓ પર અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરીને, લાખો રૂપિયાનું MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. પણ સાહેબ... અસલી ખેલ તો આ ધરપકડ પછી શરૂ થયો છે, કારણ કે આ કેસમાં જે 'રાજકીય ધડાકો' થયો છે ને, એણે આખા ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે!
જેમના ખભા પર જનતાની સુરક્ષા અને યુવાધનને બચાવવાની જવાબદારી છે, એ શાસક પક્ષના કથિત 'રખેવાળો' જ હવે નશાના કાળા કારોબારમાં રંગેહાથ પકડાયા હોવાનો મોટો દાવો થઈ રહ્યો છે! જીહા, પોલીસના સકંજામાં આવેલા ત્રણ આરોપીઓમાંથી બે શખસો સત્તાધારી ભાજપ સાથે સીધા જોડાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે, અને એમાંય મોટો ધડાકો એ છે કે આમાંનો એક તો વળી પાલિકા સભ્યનો સગો ભાઈ છે! વિચારો સાહેબ... જે પક્ષ 'નો ડ્રગ્સ ઇન ગુજરાત'ના નારા લગાવે છે, એ જ પક્ષના કેટલાક નેતાઓ અને તેમના સગાઓના આશીર્વાદથી સરહદી વિસ્તારમાં નશાની હોળી રમાઈ રહી છે? શું આ જ છે એમનો વિકાસ? યુવાધનને રોજગારી આપવાના બદલે મોતના મુખમાં ધકેલવાનું આ કયું લાયસન્સ છે?
SOG પોલીસની બાતમી એકદમ સચોટ હતી. લક્ઝરી કારમાં મોતનો સામાન સપ્લાય થાય એ પહેલા જ પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી, કારને આંતરી અને તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 66.750 ગ્રામ કિંમતી MD ડ્રગ્સ મળી આવ્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત 2,20,250 રૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ગુનામાં વપરાયેલી કાર અને મોબાઈલ સહિત કુલ 7,12,750 રૂપિયાનો મુદ્દામાલ જબ્બે કર્યો છે.
હવે સવાલ એ થાય છે કે, સામાન્ય માણસ જો નાની ભૂલ કરે તો કાયદો લાકડી ઉગામે છે, પણ જ્યારે સત્તાના સગા વહાલાઓ લાખોનું ડ્રગ્સ લઈને ફરે ત્યારે આ રાજકીય પક્ષો કેમ મૌન ધારણ કરી લે છે? પાલિકા સભ્યના સગા ભાઈનું નામ આવતા જ હવે ગાંધીનગર સુધી ટેન્શન વધી ગયું છે. હવે જોવાનું એ રહેશે કે શું આ ડ્રગ્સ માફિયાઓ પાછળ કોઈ મોટું રાજકીય માથું સંડોવાયેલું છે? શું શાસક પક્ષ આ નશાના સોદાગરોને ખુલ્લેઆમ નકારીને કડક કાર્યવાહી કરાવશે, કે પછી મામલાને થાળે પાડવા માટે ટેલિફોનિક ભલામણો શરૂ થઈ જશે? SOG પોલીસે સરાહનીય કામગીરી કરીને ડ્રગ્સ તો પકડી લીધું છે, પણ હવે સિસ્ટમ સામે સવાલ એ છે કે આ નશાના મૂળિયાં કેટલા ઊંડા છે? જનતા બધું જોઈ રહી છે !
0 ટિપ્પણીઓ