વાવ-થરાદ જિલ્લા પંચાયતને મળ્યું નવું સુકાન, મલુપુર સીટના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મહત્વની જવાબદારી




વાવ-થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મલુપુર જિલ્લા પંચાયત સીટથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રમુખ તરીકે રત્નીબેન કરશનભાઈ પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ બીજાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. સાથે અન્ય હોદ્દેદારોને પણ જવાબદારી સોંપાતા હવે નવા કાર્યકાળની શરૂઆત થઈ છે.

નવી ટીમની રચના બાદ હવે લોકોની નજર વિકાસલક્ષી કાર્યો, ગ્રામ્ય સુવિધાઓ, રસ્તા, પાણી, આરોગ્ય અને જનહિતના મુદ્દાઓ પર રહેશે. જિલ્લામાં અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર હોવાનું માનવામાં આવે છે, ત્યારે નવી ટીમ કેવી કામગીરી કરે છે તેના પર લોકોની ખાસ નજર રહેશે.

જિલ્લા પંચાયતનું નવું સુકાન મળતા વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે, પરંતુ તેની સાથે કેટલાક સવાલો પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. મહિલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ ખરેખર વહીવટની કમાન પોતાના હાથમાં સંભાળશે કે પછી "પ્રમુખ પતિ"ની ભૂમિકા વધુ જોવા મળશે? સાથે જ હવે જોવાનું એ પણ રહેશે કે વિકાસના વચનો અને બેઠકોની ચર્ચાઓ માત્ર કાગળો સુધી સીમિત રહેશે કે પછી તેનો સીધો અમલ ખરેખર ગ્રાઉન્ડ સુધી ઉતરશે.

– Vav Tharad Media