રાજન પ્રિયદર્શી: મનુવાદી માનસિકતાની દિવાલો ફાડીને ઊગી નીકળેલા દલિત સમાજના 'રીયલ સિંઘમ'
દલિત સમાજના ગામડાઓમાં જેમણે બાળપણ ગાળ્યું હોય તેવા વડીલોને ક્યારેક પૂછજો કે તે જમાનામાં જાતિવાદી માનસિકતા કેટલી હદે ક્રૂર અને કઠોર હતી! એ અત્યાચારો એક માસૂમ બાળકના મનને કઈ હદે તોડી પાડતા, તે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જશે.
કોઈ નાનું કુમળું બાળક ફળિયામાં માત્ર રમતું હોય અને ત્યાંથી કોઈ સવર્ણ નીકળે, તો "હટ ઢે…." (તમે સમજી જશો) કહીને બાળકને છણકો કરી દેવામાં આવતો, કદાચ લાકડીનો એકાદ ફટકો પણ મારી દેવાય! નાના બાળક માટે તો તેનો બાપ જ તેનો અસલી 'હીરો' અને સર્વશક્તિમાન આદર્શ હોય છે. પરંતુ આ જાતિવાદી કીડાઓ તે બાપને પણ બાળકની સામે જ અપમાનિત કરતા, તેના બાપને પગે પડાવતા અને પગ ધોઈને પીવડાવતા! આ બધું એટલા માટે કરવામાં આવતું જેથી બાળક નાનપણથી જ સમજી જાય કે તેના બાપની જેમ તેની પણ કોઈ ઓકાત નથી અને તેણે આખી જિંદગી આ લોકોથી ડરીને જ રહેવાનું છે!
આવા વાતાવરણને કારણે એ બાળકના મસ્તિષ્કમાં એક જ વાત બેસી જતી કે "અમે નીચા છીએ, એટલે આ ઊંચા લોકોનો માર ખાવો એ જ અમારો ધર્મ છે." આ બાળક જ્યારે શાળાએ જાય, ત્યારે પણ તેને વર્ગખંડની બહાર બેસાડવામાં આવે. મધ્યાહ્ન ભોજનમાં પણ અલગ બેસવાનું અને પીવાના પાણીનું માટલું પણ અલગ! આ બધું બાળકના ‘આત્મસન્માન’ના લીરેલીરા ઉડાડી દેવા માટે પૂરતું હતું.
દરેક નાના બાળકને મોટા થઈને હીરો બનવું હોય, જોરદાર તાકાત મેળવીને માન કમાવવું હોય, તેવા સપના હોય છે. કોઈનું સપનું એવું થોડું હોય કે હું મોટો થઈને કોઈના પગે લાગીશ કે કોઈનો માર ખાઈશ? ના! પરંતુ આ જાતિવાદી માનસિકતા ગામડાઓમાં નાના બાળકોના મન, મસ્તિષ્ક અને આત્મા પર એ હદે પ્રહાર કરતી કે તેમના સપનાઓ જ માત્ર મિલમજૂર કે ગુલામ થવા પૂરતા સીમિત રહી જતા. તેમના સપનાઓનો બાળપણમાં જ ગળટોપો દઈ દેવાતો!
વિચારો તો ખરા, ગામડાના માસૂમ બાળક પર આ વાતાવરણની શું અસર થતી હશે? ૧૯૬૦-૭૦ના દાયકામાં તો દલિતો માટે આ જાતિવાદીઓની સેવા અને ગુલામી કરીને બે ટાઈમનો રોટલો મળી રહે, એ જ સૌથી મોટું અચીવમેન્ટ (સિદ્ધિ) ગણાતી. "હું આ પટેલનો નોકર છું" એવું કહેવામાં પણ ગર્વ અનુભવતી દલિત કોમને માનસિક રીતે એટલી હદે કોરી ખાવામાં આવી હતી! વિચારો, જે બાળક સપના જ મોટા ન જોઈ શકે, તે તેને પૂરા તો કઈ રીતે કરી શકે?
જીગરમાં જુનૂન અને અશક્યને શક્ય બનાવવાની સફર
પરંતુ, એ જ કપરા સમયે એક નાના બાળકે સપનું જોયું કે:
*"હું એટલો મોટો બનીશ કે આજે જેઓ મારી પાસે સલામ કરાવે છે, આવતીકાલે એ આખું ગામ મને સલામ કરશે!"*
જીગરમાં આવું જુનૂન લઈને યુવાન થયેલો આ બાળક ભણી-ગણીને એટલો મોટો વિદ્વાન બન્યો કે તે સ્વતંત્ર ગુજરાતના પ્રથમ અને દલિત સમાજના કદાચ પહેલા IPS અધિકારી બન્યા. દલિત સમાજ માટે IPS બનવું એ આજે પણ કેટલું અઘરું છે તે આપણે સૌ જાણીએ છીએ, તો કલ્પના કરો કે આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હશે! પરંતુ જેમ કોઈ ‘પીપળો’ જમીન કે પાણીની પરવા કર્યા વગર RCCની પાકી દીવાલ ફાડીને પણ વિકસી જાય છે, તેમ એ બાળક મનુવાદી વ્યવસ્થાની છાતી ફાડીને ઊગી નીકળ્યો. ખરેખર, આ કોઈ ફિલ્મી વાર્તાથી કમ રોમાંચક સ્ટોરી નથી! પૂરા સન્માન અને સેલ્યુટ સાથે એ પ્રથમ IPS એટલે *“શ્રી રાજન પ્રિયદર્શી”*!
'સરફરોશ'ના ડાયલોગ જેવી વાસ્તવિકતા
ચાલો, આને એક ફિલ્મ જ ગણીને તમને બીજો સીન કહું! આમિર ખાનની એક ફિલ્મ છે ‘સરફરોશ’, તેમાં એક શાનદાર ડાયલોગ છે: "IAS કે લીયે પસંદ હુઆ થા પર IPS બના.. ક્યું? ક્યુંકી લોગો કી સુરક્ષા કર સકું! મેં ભી કલેક્ટર યા કમીશ્નર બનકર આરામ કી ઝીંદગી ગુજારતા, પર મેં ચાહતા થા, જો મેરે પરિવાર પર ગુજરી વો કિસી ઔર પે ના ગુઝરે."
બસ એમ જ, પ્રિયદર્શી સાહેબ પણ IASમાં પસંદગી પામેલા, છતાં તેમણે IPS બનવાનું પસંદ કર્યું. કારણ કે, જે જાતિવાદી કીડાઓ પોતાની જ્ઞાતિના પાવરમાં રાચતા હતા, સત્તા અને પાવરમાં આવીને એ તમામનો નશો ઉતારવો હતો! આ વર્ણવ્યવસ્થાના અત્યાચારીઓને બતાવી દેવું હતું કે પાવર જ્ઞાતિ કે જાતિમાં નથી હોતો, પાવર તો કર્મ, લાયકાત અને હોદ્દાથી આવે છે! બાબાસાહેબના સંવિધાને આપણને એ પાવર આપ્યો છે અને હવે આપણે એ પાવર વાપરતા શીખી ગયા છીએ.
સાહેબ નોકરી દરમિયાન એકદમ રુઆબદાર અને ભરાવદાર મૂછો રાખતા. જે મૂછો એક સમયે કોઈ ચોક્કસ જ્ઞાતિની જ ઓળખ ગણાતી, તે મૂછો સાહેબે રાખી અને એટલા પાવર તથા અદભુત રીતે પોતાની ફરજ નિભાવી કે આજે પણ ગુજરાત પોલીસ બેડામાં એ મૂછો *“રાજન સ્ટાઈલ”* નામે જાણીતી છે!
૧૯૮૫ના રમખાણો: જાતિવાદીઓનો ગર્વ ઓગાળ્યો
હવે ત્રીજો સીન જુઓ! એ ભરાવદાર મૂછો માત્ર દેખાડવા માટે નહોતી. ૧૯૮૫ના અનામત આંદોલન વખતે નરોડા રોડની 'અશોકની નવી ચાલી'માં દલિત સમાજના એક પરિવારના ઘરને સવર્ણોના ટોળાએ આગ ચાંપી દીધી. આ આગ ચાંપનારો મોટી-મોટી મૂછો રાખનારો મુખ્ય આરોપી હતો.
આપણા આ દલિત યોદ્ધાએ એ જાતિવાદી કીડાને તેની જ મૂછોથી પકડીને ઊંચો કર્યો અને જાહેર રસ્તા વચ્ચે ઢસડીને એવો માર માર્યો કે જાણે તેની મૂછોની સાથે-સાથે તેના અહંકારનું નાક પણ કાપી નાખ્યું! તેને ભરબજારે અપમાનિત કરીને ઢોર માર મારવામાં આવ્યો અને વર્ષોથી દલિત સમાજ પર થયેલા અપમાનનો વ્યાજ સાથે બદલો લીધો. સાહેબે આપણું આત્મસન્માન જગાડ્યું કે દલિતો હવે માત્ર તોફાની તત્વોની ઈંટો નહીં ખાય, ઈંટનો જવાબ પથ્થરથી આપશે અને કાયદાનો અસલી પાવર પણ બતાવશે. *"તારી મૂછોનો જવાબ અમે મૂછોથી આપીશું!"*
રાજન સાહેબે આપેલું એ અપમાન અને માર એટલો સચોટ હતો કે દલિતો સામે આંખ ઉઠાવનારો એ શખ્સ આઘાતમાં જ જીવ્યો અને મરી પરવાર્યો ત્યાં સુધી ફરી ક્યારેય દલિત સમાજ સામે જોવાની કોઈની હિંમત નહોતી થઈ!
મુખ્યમંત્રીની હાજરીમાં સ્ટેજ પર જ ન્યાય!
ચોથો કિસ્સો પણ એટલો જ રસપ્રદ છે. પાલનપુરમાં અનામત આંદોલન પછી એક જાહેર સભાનું આયોજન થયું હતું. તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની હાજરીમાં એક જાતિવાદી નેતા સ્ટેજ પર આવીને જાહેર સભામાં અનામત વિરોધી ઝેરીલું ભાષણ આપવા લાગ્યો. IPS રાજન પ્રિયદર્શી ત્યાં ઓન-ડ્યુટી હાજર હતા. પેલો નેતા દલિત સમાજ અને અનામત અંગે વાંધાજનક શબ્દો બોલતો રહ્યો.
પછી જે થયું એ ઇતિહાસ બની ગયું! આપણા આ દલિત યોદ્ધાએ પોતાની નોકરીની પરવા કર્યા વગર જાહેર સ્ટેજ પર જઈને એ નેતાને સટાક કરતી બે તમાચા ઝીંકી દીધા! મુખ્યમંત્રીથી લઈને શ્રોતાઓ અને તમામ મહેમાનો સ્તબ્ધ થઈ ગયા! ચારેય તરફ સન્નાટો વ્યાપી ગયો, જેને 'પિન-ડ્રોપ સાયલન્સ' કહેવાય. પેલા નેતાની હાલત "કાપો તો લોહી ન નીકળે" તેવી થઈ ગઈ. આખી સભામાં જે લોકોને ઉશ્કેરવા આવ્યો હતો, તેને ધોળા દિવસે તારા દેખાઈ ગયા અને તેની મદદે કોઈ ન આવ્યું! વિચારો, એ સિંહની ધાક કેવી હશે! એ નેતા એટલો ડઘાઈ ગયો કે કશું જ બોલ્યા વગર સ્ટેજ પરથી ઉતરીને રવાના થઈ ગયો.
સદ્નસીબે મુખ્યમંત્રી સાહેબે પણ આ કિસ્સા પર કોઈ નકારાત્મક પ્રતિક્રિયા ન આપી અને એક રીતે છૂપી સહમતી દર્શાવી. કોઈ ઈન્ક્વાયરી પણ ન થઈ અને દલિત IPS સાહેબનો જલવો આખા ગુજરાતમાં જોવા જેવો રહ્યો! આજે પણ બનાસકાંઠામાં માનનીય “રાજન પ્રિયદર્શી” સાહેબના નામે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આવો દબદબો હતો સાહેબનો!
નિવૃત્તિ પછી પણ સમાજની ઢાલ બન્યા
આ તો ચાલુ નોકરીની વાતો થઈ, પણ ૨૦૧૭માં ઊના કાંડ પછી જ્યારે આપણા દલિત એક્ટિવિસ્ટોની ટીમ પદયાત્રા કરીને ઊના પહોંચી, ત્યારનો કિસ્સો પણ જાણવા જેવો છે. એ સમયે પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ અને જ્વલનશીલ હતી. શરૂઆતમાં તો સભાની મંજૂરી જ નહોતી મળતી, માંડ-માંડ મંજૂરી મળી અને સભા પૂરી થઈ. સભા પછી અચાનક સ્થાનિક વિસ્તારના કેટલાક દલિતો પર હુમલો થયો.
તરત જ મેસેજ મળતા જ જીજ્ઞેશ મેવાણી અને આખી ટીમ પોલીસ સ્ટેશને પહોંચી. ત્યાં પરિસ્થિતિ એવી સર્જાઈ કે સામેવાળું હુમલાખોરોનું ટોળું પણ પોલીસ સ્ટેશન બહાર ભેગું થવા લાગ્યું. એક તબક્કે આખું પોલીસ સ્ટેશન ઘેરાઈ ગયું અને આપણા એક્ટિવિસ્ટો અંદર ફસાઈ ગયા! બહાર નીકળો તો જીવ બચશે કે નહીં તેવો મોટો સવાલ હતો. અંદરથી સીએમઓ અને ઉચ્ચ અધિકારીઓને ફોન પર ફોન કરવામાં આવ્યા, પણ સ્થાનિક પોલીસ યોગ્ય જવાબ નહોતી આપતી. એવામાં એક એક્ટિવિસ્ટે નિવૃત થઈ ચૂકેલા “રાજન સાહેબ”ને ફોન કર્યો. સાહેબે ક્ષણનોય વિલંબ કર્યા વગર સીધા DGP (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ)ને ફોન જોડ્યો અને સાહેબના એક ફોન પર તરત જ ચુસ્ત સુરક્ષા સાથે આખી ટીમને ત્યાંથી હેમખેમ બહાર કાઢવામાં આવી.
આજના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત
આ વાતો અહીં કરવાનો હેતુ માત્ર રાજન સાહેબની પ્રશંસા પૂરતો નથી, પરંતુ સમાજને એ યાદ અપાવવાનો છે કે આપણા દલિત સમાજમાં આવા કેટલાય 'સાયલન્ટ વોરિયર્સ' (મૌન યોદ્ધાઓ) થઈ ગયા, જેઓ પોતે ક્યારેય પોતાની મહાનતાનો પ્રચાર કરતા નથી. નવી પેઢીને એ ખબર હોવી જોઈએ કે આજે આપણે જે સ્વતંત્રતા અને આત્મસન્માન ભોગવી રહ્યા છીએ, તેની પાછળ કેટલા બલિદાનો, કેટલી મહેનત અને કેટલા લોકોના લોહી-પરસેવો વહ્યા છે.
આજે મનુવાદી અને જાતિવાદી તકલીફો વચ્ચે જ્યાં દલિતોને આગળ વધવા માટે જમીન કે પાણી પણ નથી મળતા, ખાતર અને માવજત તો બહુ દૂરની વાત છે, છતાં પણ એક ઘટાદાર પીપળાની જેમ પથ્થરની દીવાલો ફાડીને આજે દલિત સમાજ વટવૃક્ષ બન્યો છે, સક્ષમ બન્યો છે અને પોતાના હકો પ્રત્યે સભાન બન્યો છે, તેમાં આવા યોદ્ધાઓનો સિંહફાળો છે! આ પેઢી જો આ ઇતિહાસ જાણશે, તો જ તેમને પ્રેરણા મળશે અને સમાજને નવા હીરો મળશે.
તમને જણાવી દઈએ કે રાજન પ્રિયદર્શી સાહેબ પાસે *BA, LLB, JOURNALISM અને IPS* જેવી ઉચ્ચ ડિગ્રીઓ છે અને તેઓ એડિશનલ DGP (Additional DGP) જેવી સર્વોચ્ચ પોસ્ટ પરથી નિવૃત થયા છે.
આ આખી કહાની કોઈ સુપરહિટ બ્લોકબસ્ટર ફિલ્મ જેવી જ છે ને! બોલિવૂડની ફિલ્મ 'સિંઘમ'માં ગરીબ ગામવાળાઓ પર રોફ જમાવનાર પ્રકાશ રાજને રોડ પર દોડાવી-દોડાવીને મારતો સિંઘમ જુઓ કે પછી 'કર્મા' ફિલ્મમાં જાહેર સભામાં ડૉ. ડેંગને લાફો મારતો જેલર દિલીપ કુમાર જુઓ... આપણા રાજન સાહેબની છબી આ રીયલ લાઈફ હીરો તરીકે સેમ ટુ સેમ એવી જ ઉપસી આવે છે!
દલિત સમાજના આવા મહાન યોદ્ધા અને રીયલ લાઈફ સિંઘમ શ્રી રાજન પ્રિયદર્શી સાહેબને જન્મદિવસની કોટી-કોટી શુભેચ્છાઓ અને સલામ!
*આ માહિતી અમારા સૂત્રના જણાવ્યા મુજબ છે
0 ટિપ્પણીઓ