*જીવામૃત : પ્રાકૃતિક ખેતીનું જીવંત સંજીવની તત્ત્વ*


*"જમીનની તંદુરસ્તી, પાકની સમૃદ્ધિ અને ખેડૂતોની આર્થિક બચત માટે જીવામૃત એક અસરકારક પ્રાકૃતિક ઉપાય"*


પાટણ જિલ્લાની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ અને પશુપાલન છે. પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ બની છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતું જીવામૃત ખેડૂતો માટે જમીનની ઉર્વરાશક્તિ વધારતું અને પાકના સર્વાંગી વિકાસમાં સહાયક એવું જીવંત જૈવિક દ્રાવણ છે.


*જીવામૃત શું છે?*


જીવામૃત કોઈ રાસાયણિક ખાતર નથી. તે અસંખ્ય લાભદાયક સૂક્ષ્મ જીવાણુઓનું જીવંત સંવર્ધન (કલ્ચર) છે, જે જમીનમાં પહેલેથી જ રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝિંક, મેગ્નેશિયમ સહિતના પોષક તત્ત્વોને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે.


દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતું જીવામૃત જમીનમાં જૈવિક સક્રિયતા વધારીને પાકના વિકાસને પ્રોત્સાહન આપે છે તેમજ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડે છે.


*જીવામૃત બનાવવા માટેની સામગ્રી*


- દેશી ગાયનું ગોબર – ૧૦ કિલોગ્રામ

- દેશી ગાયનું ગૌમૂત્ર – ૮ થી ૧૦ લિટર

- ગોળ – ૧.૫ કિલોગ્રામ

- કોઈપણ કઠોળનો લોટ (બેસન) – ૧.૫ કિલોગ્રામ

- પાણી – ૧૮૦ લિટર

- મોટા વૃક્ષ નીચેની માટી – આશરે ૫૦૦ ગ્રામ


*જીવામૃત બનાવવાની રીત*


૨૦૦ લિટરનું બેરલ છાંયડામાં રાખીને તેમાં ૧૭૦ થી ૧૮૦ લિટર પાણી ભરવું. ત્યારબાદ તેમાં ગોબર, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને વૃક્ષ નીચેની માટી ઉમેરવી.


આ દ્રાવણને લાકડી વડે દરરોજ સવારે અને સાંજે પાંચ-પાંચ મિનિટ સુધી ઘડિયાળની દિશામાં હલાવવું.


- ઉનાળામાં જીવામૃત ૨૪ થી ૪૮ કલાકમાં તૈયાર થાય છે.

- શિયાળામાં જીવામૃત તૈયાર થવામાં ૪ થી ૫ દિવસનો સમય લાગે છે.


*જીવામૃત કેવી રીતે કાર્ય કરે છે?*


જમીનમાં રહેલા ઘણા પોષક તત્ત્વો છોડ માટે સીધા ઉપયોગી નથી હોતા. જીવામૃતમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ આ તત્ત્વોને છોડ લઈ શકે તેવા ઉપલબ્ધ સ્વરૂપમાં ફેરવે છે.


સરળ ભાષામાં કહીએ તો, જમીનમાં રહેલા પોષક તત્ત્વો કાચા અનાજ સમાન છે અને જીવાણુઓ રસોઈયાની ભૂમિકા ભજવીને તેને છોડ માટે તૈયાર ભોજનમાં ફેરવે છે.


*જીવામૃતના મુખ્ય લાભો*


✔ જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે.

✔ જમીનની જૈવિક ઉર્વરાશક્તિમાં વધારો થાય છે.

✔ ઓર્ગેનિક કાર્બનની માત્રા વધે છે.

✔ રાસાયણિક ખાતરોના ખર્ચમાં ઘટાડો થાય છે.

✔ જમીનમાં અળસિયાં અને અન્ય ઉપયોગી જીવસૃષ્ટિ સક્રિય બને છે.

✔ પાકની વૃદ્ધિ, ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે.

✔ પર્યાવરણમિત્ર અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન મળે છે.


*જીવામૃતનો ઉપયોગ*


પ્રતિ એકર આશરે ૨૦૦ લિટર જીવામૃત પિયતના પાણી, ડ્રિપ સિસ્ટમ અથવા ફુવારા દ્વારા મહિનામાં એકથી બે વખત આપી શકાય છે.


ફળઝાડ માટે પ્રતિ વૃક્ષ ૨ થી ૫ લિટર જીવામૃત મહિનામાં એકથી બે વખત આપવાની ભલામણ કરવામાં આવે છે.


શેરડી, કેળા, ઘઉં, મકાઈ, તુવેર, મગ, અડદ, ચણા, કપાસ, મરચાં, ડુંગળી, ટમેટાં, બટાટા, લસણ, શાકભાજી, ઔષધીય અને સુગંધી છોડ સહિત લગભગ તમામ પાકોમાં જીવામૃતનો નિયમિત છંટકાવ લાભદાયી સાબિત થાય છે.


પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતનો નિયમિત ઉપયોગ કરીને ખેડૂતો જમીનની તંદુરસ્તી જાળવી શકે છે, ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવી શકે છે.


દેશી ગાય આધારિત આ જૈવિક પદ્ધતિ ખેડૂતોને આત્મનિર્ભર બનાવીને ટકાઉ કૃષિ વિકાસ તરફ દોરી જાય છે.


_✍️દિનેશ બી જાખેસરા, પાટણ 

        વાવ થરાદ મીડિયા_