વાવ થરાદ: સુઈગામ તાલુકાના મોરવાડા ગામે પીવાના પાણી માટે બુમરાડ..
વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે
ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમયથી ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી મળતું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણી માટે ગ્રામજનોને વલખાં મારવાની નોબત આવી છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ગામના લોકો રોજિંદા ઉપયોગ માટેના પાણીની અછતથી પરેશાન છે.
ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે અમુક સમયે પાણીનો પુરવઠો થાય છે ત્યારે પણ ખારું પાણી આવતું હોવાથી તે પીવા યોગ્ય રહેતું નથી. .
પરિણામે લોકોને પીવાના પાણી માટે અન્ય સ્થળોએ આધાર રાખવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે મોરવાડા ગામમાં તાત્કાલિક અસરથી સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે.
તેમનું કહેવું છે કે સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત અથવા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ગામમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધાના અભાવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હવે સ્થાનિક તંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લઈને ઝડપી કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
*અહેવાલ: દિનેશ બી જાખેસરા, વાવ થરાદ મીડિયા, સુઈગામ

0 ટિપ્પણીઓ