પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ડાલડી ગામમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો એસ.ઓ.જી. અને સાંતલપુર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ભંડાફોડ કર્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી આશરે 7.840 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3,92,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે.



ગુજરાત સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણની ટીમ સાંતલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડાલડી ગામ નજીક કસ્ટમ હાઇવે રોડ પર આવેલા એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.



તપાસ દરમિયાન ખેતરના એક ખૂણામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા અંદાજે 6થી 8 ફૂટ ઊંચાઈના ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે તમામ છોડ કબજે કરી તેનું વજન કરતાં કુલ 7.840 કિલોગ્રામ નોંધાયું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 3.92 લાખ હોવાનું સામે આવ્યું છે.


આ કેસમાં પોલીસે દાનાભાઇ આલાભાઇ કોલી, રહે. ડાલડી, તા. સાંતલપુર, જી. પાટણની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સાંતલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


એસ.ઓ.જી. પાટણ અને સાંતલપુર પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી નશીલા પદાર્થો સામેની ઝુંબેશમાં વધુ એક મહત્વની સફળતા મેળવી છે.


અહેવાલ : _✍️દિનેશ બી જાખેસરા, પાટણ 

                 _વાવ થરાદ મીડિયા_