થરાદ મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી છે. જેમાં રૂ.200ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળા કિરીટ સોનીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવી હતી.
એસીબીને ગુપ્ત માહિતી મળી હતી કે મામલતદાર કચેરીમાં નોંધ મંજૂર કરવા અને તેની પ્રમાણિત નકલો મેળવવા માટે રૂ.100 થી રૂ.2,000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આ માહિતીના આધારે એસીબીએ તપાસ શરૂ કરી હતી.
માહિતીની ખરાઈ કરવા માટે, એસીબીએ એક જાગૃત નાગરિક મારફતે ડીકોય ગોઠવ્યો. આ ડીકોય દરમિયાન, આરોપી કિરીટ સોનીએ નોંધની પ્રમાણિત નકલો આપવા માટે રૂ.200ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ, એસીબીની ટીમે કિરીટ સોનીને તાત્કાલિક રંગેહાથ ઝડપી લીધા. આરોપી પાસેથી લાંચની રૂ.200ની રકમ પણ કબજે કરવામાં આવી છે.
આ મામલે એસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : દિનેશ બી જાખેસરા, વાવ થરાદ

0 ટિપ્પણીઓ