*ગુરુપૂર્ણિમાએ ગુંજ્યો હરિત સંદેશ: 'એક વૃક્ષ માલા ગુરુ કે નામ' અભિયાનથી ગુરુવંદનાની અનોખી પહેલ*

*૧૦૮ વૃક્ષોની ચાર ગુરુ માળા થી ગુરુને વંદન*

*પાટણ જિલ્લામાં ચાર તપોવનમાં ચાર ગુરુ માળા થકી ૪૩૨ વૃક્ષોનું વાવતર*

ગ્રીન કમાન્ડો નિલેશ રાજગોર દ્વારા પાટણ જિલ્લામાં સચ્ચિદાનંદ તપાવન,નર્મદા ગિરી તપોવન આનંદ પ્રકાશ તપોવન દેવગીરી તપોવનમાં વૃક્ષોના વાવેતરથી અનોખી ગુરુવંદના*

*ગુરુને નમન, પ્રકૃતિને વંદન: વૃક્ષારોપણથી ગુરુપૂર્ણિમાની ઉજવણી*

*ગુરુપૂર્ણિમાએ ગ્રીન કમાન્ડોશ્રી નિલેશ રાજગોરે આપ્યો હરિયાળા ભવિષ્યનો સંકલ્પ*

પાટણ. : ભારતીય સંસ્કૃતિમાં ગુરુને પરમ સ્થાન આપવામાં આવ્યું છે, તો બીજી તરફ પ્રકૃતિને પણ પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવે છે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરનો સુમેળ સર્જતા પાટણ જિલ્લાના ગ્રીન કમાન્ડો, આર્યાવ્રત નિર્માણ સંસ્થાના પ્રમુખ અને જાણીતા પર્યાવરણપ્રેમી શ્રી નિલેશ રાજગોરે *એક વૃક્ષ માલા ગુરુ કે નામ'*" અભિયાન દ્વારા ગુરુવંદના અને પ્રકૃતિ સંરક્ષણને એક નવી દિશા આપી છે.





પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે આવેલા સરસ્વતી પીપળવન સહસ્ત્ર તરુવન ખાતે શ્રી રાજગોરે પોતાના ગુરુને સમર્પિત દેશી આંબાનું વૃક્ષ વાવી ગુરુપૂર્ણિમાની અનોખી ઉજવણી કરી હતી. તેમની સાથે ઉપસ્થિત પ્રકૃતિપ્રેમીઓએ પણ પોતાના ગુરુના નામે પીપળો, કૈલાસપતિ, ચીકુ તેમજ લુપ્તપ્રાય ટેટુ સહિતના દેશી વૃક્ષોનું વાવેતર કરીને હરિત ગુરુદક્ષિણાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના "એક પેડ મા કે નામ" અભિયાનથી પ્રેરાઈ શ્રી નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે, જેમ માતા જીવન આપે છે તેમ ગુરુ જીવનને સાચી દિશા આપે છે. તેથી ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની શ્રેષ્ઠ ગુરુદક્ષિણા એક દેશી વૃક્ષ બની શકે છે. એક વૃક્ષ માત્ર ગુરુને સમર્પણ નથી, પરંતુ આવનારી પેઢીઓ માટે શુદ્ધ પર્યાવરણ અને હરિયાળું ભવિષ્ય અર્પણ કરવાનો સંકલ્પ છે.


તેમણે કબીરદાસજીનો પ્રસિદ્ધ દોહો—

"ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગૂં પાંય;

બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય."

ટાંકીને જણાવ્યું હતું કે, જે ગુરુ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે, એવા ગુરુને એક વૃક્ષ અર્પણ કરવું એ સાચા અર્થમાં ગુરુવંદના છે.

શ્રી રાજગોરે સમગ્ર દેશના નાગરિકોને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે પોતાના ગુરુના નામે ઓછામાં ઓછું એક દેશી વૃક્ષ વાવી તેનું જતન કરવાનો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનના વધતા પડકારો વચ્ચે વૃક્ષારોપણ જ પ્રકૃતિ અને માનવજાતના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો સૌથી અસરકારક માર્ગ છે.

તેમણે જણાવ્યું હતું કે, આર્યાવ્રત નિર્માણ સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમાના અવસરે પાટણના નોરતા સ્થિત ગુજરાતના સૌથી મોટા મહાકાળી પીપળવન ખાતે ચાર પૂજ્ય સંતોને પ્રત્યેક ૧૦૮ દેશી વૃક્ષોની "વૃક્ષમાળા" અર્પણ કરવામાં આવશે. જેમાં મહર્ષિ સચ્ચિદાનંદ તપોવન, બ્રહ્મલીન નર્મદગીરી તપોવન, બ્રહ્મલીન આનંદપ્રકાશ તપોવન અને મહંતશ્રી દેવગીરી કપિલમુની તપોવનને હરિત ગુરુદક્ષિણા અર્પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અષાઢી બીજાના પાવન અવસરે યોજાયેલી પાટણની ૧૪૪મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને મહાકાળી પીપળવન ખાતે **'જગન્નાથ પ્રકૃતિ વન'**નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જૈવવિવિધતાના સંવર્ધન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ સાથે ૨૫૧ દેશી પ્રજાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

શ્રી નિલેશ રાજગોરે અંતમાં જણાવ્યું હતું કે, "ગુરુને અર્પણ કરેલું એક વૃક્ષ માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના કલ્યાણનો સંકલ્પ છે. જો દરેક વ્યક્તિ પોતાના ગુરુના નામે એક દેશી વૃક્ષ વાવે અને તેનું સંવર્ધન કરે, તો ગુરુપૂર્ણિમાની ઉજવણી સાચા અર્થમાં પ્રકૃતિ અને માનવજાત માટે આશીર્વાદરૂપ બની શકે."


#પ્રકૃતિ_હી_પરમાત્મા

#ધર્મો_રક્ષતિ_રક્ષિતઃ

#વૃક્ષો_રક્ષતિ_રક્ષિતઃ