સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં 12,878 ડ્રોપઆઉટ બાળકોને શાળામાં પુનઃપ્રવેશ



પાટણ જિલ્લામાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના હેતુથી રિજ્યોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપઆઉટ બાળકોને શોધી તેમને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવાની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.



કાર્યક્રમમાં જણાવાયું હતું કે, પાટણ જિલ્લામાં વિવિધ શાળાઓમાંથી ડ્રોપઆઉટ થયેલા કુલ 14,692 બાળકો પૈકી 12,878 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે. આ કામગીરી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. સમરસ વિદ્યા સેતુ યોજનાનો મુખ્ય હેતુ શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવાનો છે.



વર્ષ 2026-27 દરમિયાન પાટણ જિલ્લામાં 442 નવા વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા છે. શૈક્ષણિક સુવિધાઓના વિકાસ સાથે એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજના તમામ વર્ગોએ સાથે મળીને જવાબદારી નિભાવવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.


કાર્યક્રમ દરમિયાન શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવાયું હતું કે, શિક્ષણ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. બાળકોને શિક્ષણ સાથે સતત જોડાયેલા રાખવા અને આજના સમયમાં ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે શિક્ષણને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી હતી.


ડ્રોપઆઉટ બાદ પુનઃ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચોપડા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને જરૂરી શૈક્ષણિક સામગ્રી મળી રહે અને તેઓ નિયમિત શિક્ષણ સાથે જોડાયેલા રહે તે હેતુથી કીટ આપવામાં આવી હતી.


ડ્રોપઆઉટ બાળકોને શોધી પુનઃપ્રવેશ અપાવવામાં તાલુકા કક્ષાએ નોંધપાત્ર કામગીરી કરનાર શાળાઓ, અધિકારીઓ અને આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા કક્ષાએ 4 અને 5 Star રેન્ક ધરાવતી સાત શાળાઓને ‘સક્ષમ શાળા એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.


કાર્યક્રમના અંતે શિક્ષકોને માર્ગદર્શન આપતાં જણાવાયું હતું કે, બદલાતા સમયમાં બાળકોને વધુ સક્ષમ અને જ્ઞાનસભર બનાવવા શિક્ષણ સાથે ટેકનોલોજીનો અસરકારક અને સર્જનાત્મક ઉપયોગ જરૂરી છે. શાળાનું વાતાવરણ બાળકોને આકર્ષે તેવું હોવું જોઈએ, જેથી તેઓ આનંદપૂર્વક શાળાએ આવે અને શિક્ષણ સાથે સતત જોડાયેલા રહે.


સામૂહિક પ્રયાસોથી પાટણ જિલ્લામાં ડ્રોપઆઉટનું પ્રમાણ શૂન્ય કરવાની દિશામાં કામગીરી આગળ વધારવા આહ્વાન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, શિક્ષકો, શાળાના આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ : દિનેશ બિ જાખેસરા, પાટણ