ભારે વરસાદ બાદ પાટણ જિલ્લાના ચાર માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા


માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી જનજીવનને રાહત; અડીયા-મણિયારી માર્ગ પર રૂ. 13 કરોડના ખર્ચે નવો માઇનોર બ્રિજ બનશે

તાજેતરમાં જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ, પાટણ (રાજ્ય) હસ્તકના ચારેય રસ્તાઓ પર પાણીનું સ્તર ઘટતા હવે ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. વિભાગ દ્વારા સતત દેખરેખ અને સ્થળ પરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ સુરક્ષિત રીતે વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો છે.

વાહનવ્યવહાર માટે પુનઃ શરૂ કરાયેલા માર્ગોમાં (૧) મઢુત્રા–દાત્રાણા–બરારા–ધોકાવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૧.૯૮૦), (૨) રાધનપુર–લોદરા–મોરવાડા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૫.૦૦૦), (૩) અડીયા–ચંદ્રુમણા–મણિયારી–મીઠી ધારીયાલ રોડ (કિ.મી. ૦/૦૦ થી ૨૭.૧૪૦) તેમજ (૪) ઝેકડા–ગઢા–ઝંડાલા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૨.૯૬૦)નો સમાવેશ થાય છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા માત્ર તાત્કાલિક રાહત પૂરતી કામગીરી જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી સ્થિતિનું કાયમી નિરાકરણ લાવવા માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. અડીયા–ચંદ્રુમણા–સેવાલા–ચાણસ્મા–મંડલોપ–મણિયારી–મીઠી ધારીયાલ માર્ગ પર કિ.મી. ૨૬/૫૦૦ થી ૨૭/૧૪૦ વચ્ચે દર ચોમાસે ઓવરટોપિંગ થતી ડીપની જગ્યાએ નવા માઇનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા 'રાજ્યધોરી માર્ગ પર ખૂટતી કડી યોજના' અંતર્ગત તા. ૦૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ **રૂ. ૧૩ કરોડ (રૂ. ૧૩૦૦ લાખ)**ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ સરકારશ્રી દ્વારા તા. ૨૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ઇજારદારને વર્ક ઓર્ડર એનાયત કરીને બ્રિજના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવશે.

નવો માઇનોર બ્રિજ તૈયાર થયા બાદ વરસાદી સિઝનમાં ઓવરટોપિંગની સમસ્યા દૂર થશે, માર્ગ સતત વાહનવ્યવહાર માટે કાર્યરત રહેશે અને સ્થાનિક નાગરિકો તેમજ મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે.


અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ 

                  વાવ થરાદ મીડિયા_