રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો પાટણ જિલ્લો: શંખેશ્વર, સરસ્વતી, હારીજ, સિદ્ધપુર અને રાધનપુરમાં યોજાઈ તિરંગા યાત્રા**
*તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા*
દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં ચાલી રહેલા 'હર ઘર તિરંગા' અભિયાનને જનભાગીદારી સાથે ઉજવવાના ભાગરૂપે પાટણ જિલ્લામાં આજે તા. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા.
શંખેશ્વર તાલુકામાં આજે પી.સી. પ્રજાપતિ હાઈસ્કૂલથી જૂની ભોજન શાળા સુખધામ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સરસ્વતી તાલુકામાં જૂની પ્રાથમિક શાળા, ચારુપ ઓરડા વાસ જૈન મંદિરથી બસ સ્ટેશન ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આશરે ૧,૦૦૦ જેટલા સહભાગીઓએ રાષ્ટ્રધ્વજ સાથે યાત્રામાં જોડાઈ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.
હારીજ તાલુકામાં કે.પી. હાઈસ્કૂલથી સરદાર ચોક થઈ પુનઃ કે.પી. હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.
સિદ્ધપુર તાલુકામાં એલ.એસ. હાઈસ્કૂલથી સિદ્ધપુર ઝાપલી પોળ, કલોક ટાવર, ૩૬૦ બારી થઈ એલ.એસ. હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું.
રાધનપુર તાલુકામાં નાલંદા વિદ્યાલયથી કંડલા હાઈવે, સર્વિસ રોડ, રામલલા ચોક થઈ ગાયત્રી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.
આ તમામ તિરંગા યાત્રાઓ દરમિયાન *'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' અને 'જય હિંદ'* ના ગગનભેદી નાદથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. તિરંગા સાથે જોડાયેલા સહભાગીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલી તિરંગા યાત્રાઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા 'હર ઘર તિરંગા' અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ મળ્યું છે. નાગરિકોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરી દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રગૌરવનો સંદેશ આપ્યો હતો.
તિરંગા યાત્રાઓ દરમિયાન સમગ્ર માર્ગ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક કરવામાં આવેલી ભાગીદારીથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો.
અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ



0 ટિપ્પણીઓ