FSSAI નો નવો નિયમ: પાન મસાલાના પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધ
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એ પાન મસાલાના પેકેજિંગ અંગે એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ, 2026 હેઠળ હવે પાન મસાલાના પેકેજિંગમાં કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક, પોલિથીન, PVC, પોલિએસ્ટર કે અન્ય સિન્થેટિક પોલિમરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે એલ્યુમિનિયમ ફોઇલ કે મેટલાઇઝ્ડ લેયરવાળા પેકેજિંગ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
FSSAI ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશનનો નોટિફિકેશન લેટર.
**નિયમની જોગવાઈઓ**
FSSAI ના જણાવ્યા મુજબ, હવેથી પાન મસાલા માટે માત્ર નીચેની સામગ્રીનો ઉપયોગ કરી શકાશે:
- કાગળ, પેપરબોર્ડ, સેલ્યુલોઝ કે અન્ય કુદરતી રીતે મેળવેલી સામગ્રી (જે પ્લાસ્ટિક, PVC, પોલિમર્સ, કોપોલિમર્સ, લેમિનેટ્સ કે એલ્યુમિનિયમ ફોઇલથી મુક્ત હોય)
- ટીન અથવા કાચના કન્ટેનર
આ ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016ના નિયમ 4ની જોગવાઈઓ પણ પાલન કરવાની રહેશે.
**નિયમ પાછળનું કારણ**
આ નિર્ણય પર્યાવરણ સુરક્ષાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઇલવાળા પાઉચ વર્ષો સુધી નષ્ટ થતા નથી અને પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986 હેઠળ 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2016'ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી પાન મસાલાના પેકેજિંગને સંપૂર્ણપણે પ્લાસ્ટિક-મુક્ત અને ઇકો-ફ્રેન્ડલી બનાવી શકાય.
**નોટિફિકેશનની વિગત**
આ સુધારેલા નિયમો અંગેનો ડ્રાફ્ટ ગત 28 એપ્રિલ 2026ના રોજ જાહેર જનતા પાસેથી વાંધા અને સૂચનો મંગાવવા માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. 60 દિવસની અવધિ પૂરી થયા બાદ, પ્રાપ્ત વાંધા-સૂચનોની સમીક્ષા કરી FSSAIએ આખરી નોટિફિકેશન 7 ઓગસ્ટ 2026ના રોજ બહાર પાડ્યું. આ નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થવાની તારીખથી અમલમાં આવશે. આ નોટિફિકેશન પર FSSAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રજિત પુન્હાણીની સહી છે.
**કંપનીઓ અને ગ્રાહકો પર અસર**
પાન મસાલા બનાવતી કંપનીઓએ હવે તેમના પેકેજિંગમાં ફેરફાર કરવો ફરજિયાત બનશે અને પ્લાસ્ટિક-મુક્ત, પર્યાવરણને અનુકૂળ સામગ્રી અપનાવવી પડશે. આનાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની અને પરિણામે ગ્રાહકો સુધી ભાવવધારો પહોંચવાની શક્યતા છે, પરંતુ લાંબા ગાળે આ પગલું પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
અહેવાલ : દિનેશ બી જાખેસરા,


0 ટિપ્પણીઓ