*ચાંદીપુરા એન્સેફાલાઇટિસ સામે ધારપુર હોસ્પિટલની સફળ સારવાર*


*૭ વર્ષીય સુમિયાને ૧૨ દિવસની સઘન સારવાર બાદ નવજીવન મળ્યું*


જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, ધારપુર-પાટણના પેડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU)ના તબીબો અને નર્સિંગ સ્ટાફની ટીમે ગંભીર ચાંદીપુરા એન્સેફાલાઇટિસ (Chandipura Encephalitis)થી પીડિત ૭ વર્ષીય બાળકીની સફળ સારવાર કરી નવજીવન બક્ષ્યું છે. સંખારી ગામની રહેવાસી સુમિયા બળવંતજી ઠાકોરને ચાંદીપુરા એન્સેફાલાઇટિસ સાથે મગજનો સોજો, શોક અને લીવર ફેલ્યોર જેવી ગંભીર જટિલતાઓ હતી. ૧૨ દિવસની સઘન સારવાર બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને કોઈ શારીરિક કે મગજ સંબંધિત જટિલતા (Sequelae) વગર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


ગંભીર હાલતમાં ધારપુર હોસ્પિટલમાં કરાઈ દાખલ


સુમિયાને છેલ્લા ત્રણ દિવસથી તીવ્ર તાવ, આંચકી અને સતત ઊલટીઓની ફરિયાદ હતી. શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં બે દિવસ સારવાર આપવામાં આવી હતી. જોકે, તેની તબિયતમાં વધુ બગાડ થતાં અને ભાન ગુમાવતાં તેને વધુ સારવાર માટે તાત્કાલિક ધારપુર હોસ્પિટલના PICUમાં રિફર કરવામાં આવી હતી.


હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે બાળકી અચેતન અવસ્થામાં હતી અને તેને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો. તબીબી તપાસ દરમિયાન એન્સેફાલાઇટિસ, મગજમાં સોજો (Cerebral Oedema), શોક તેમજ મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ (MODS) જેવી ગંભીર પરિસ્થિતિઓ જોવા મળી હતી. સાથે જ લીવરના કાર્યને દર્શાવતા રિપોર્ટ (LFT) સતત બગડી રહ્યા હતા અને રક્તસ્રાવના લક્ષણો પણ જોવા મળ્યા હતા.


સઘન સારવાર અને ૨૪ કલાકની દેખરેખથી મળ્યું સફળ પરિણામ


બાળકીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને PICUની તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી. એક્યુટ લીવર ફેલ્યોરની સારવાર સાથે રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટે દિવસમાં બે વખત ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા (FFP) ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું. શોકની સ્થિતિને નિયંત્રિત કરવા માટે ઇનોટ્રોપિક સપોર્ટ આપવામાં આવ્યો હતો.


PICUના તબીબો તથા નર્સિંગ સ્ટાફ દ્વારા ૨૪ કલાક સતત દેખરેખ અને સઘન સારવાર કરવામાં આવી. ટીમના અથાક પ્રયત્નો અને સમયસર લેવાયેલા તબીબી નિર્ણયો બાદ સુમિયાની તબિયતમાં ધીમે ધીમે સુધારો થવા લાગ્યો. તેના બ્લડ પેરામીટર્સ અને ભાનની સ્થિતિ સામાન્ય થઈ અને તમામ વાઇટલ્સ સ્થિર થયા.


૧૨ દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી સુમિયા


લગભગ ૧૨ દિવસના સઘન સારવાર બાદ સુમિયા સંપૂર્ણ સ્વસ્થ થઈ હતી. તેની શારીરિક સ્થિતિ અને તમામ વાઇટલ્સ સામાન્ય રહેતાં તેને કોઈપણ પ્રકારની શારીરિક કે મગજ સંબંધિત જટિલતા વગર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


હોસ્પિટલની તબીબી ટીમે જણાવ્યું હતું કે, “ચાંદીપુરા એન્સેફાલાઇટિસ સાથે લીવર ફેલ્યોર અને શોક જેવી ગંભીર જટિલતાઓ ધરાવતા દર્દીની સારવાર કરવી અત્યંત પડકારજનક હોય છે. તેમ છતાં, સમયસર નિદાન, યોગ્ય તબીબી નિર્ણય, સઘન સારવાર અને સમગ્ર ટીમના સંકલિત પ્રયાસોના પરિણામે સુમિયાની સ્થિતિમાં સફળતાપૂર્વક સુધારો થયો છે. આજે તે સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરી રહી છે.”


ધારપુર હોસ્પિટલની PICU ટીમની તબીબી કુશળતા, નર્સિંગ સ્ટાફની સતત સેવા અને સમયસર મળેલી સઘન સારવારના સંકલિત પ્રયાસોથી ગંભીર સ્થિતિમાં આવેલી બાળકીનું જીવન બચાવી શકાયું છે.


અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ