હારીજમાં SMCની ટીમે દરોડો પાડી 28 જુગારીઓને ઝડપ્યાં, 4 ફરાર
4 શખસો ભાગીદારીમાં જુગારધામ ચલાવતા, બેચરાજી, અમદાવાદથી પણ જુગારીઓ રમવા આવ્યાં
પાટણના હારીજ ખાતે SMCની ટીમે ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. જેમાં 28 જુગારીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે ચાર આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
SMCની ટીમ ચોક્કસ બાતમીના આધારે હારીજ ગામમાં પહોંચી હતી. જ્યાં અમૃતપુરા ખાતે જગદીશકુમાર મથુરજી ઠાકોરના કબજા ભોગવટાના ખુલ્લા પ્લોટમાં લેમ્પના અજવાળે તાડપત્રી અને ગાદલા પાથરીને જાહેરમાં ગંજીપત્તા જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે કોર્ડન કરતા જ નાસભાગ મચી ગઈ હતી, જેમાં ચાર ઇસમો અંધારાનો લાભ લઇને ભાગી ગયા હતા, જ્યારે 28 ઇસમોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ જુગારધામ જગદીશકુમાર મથુરજી ઠાકોર, ચંદનજી જવાનજી ઠાકોર, જાવેદ ઉર્ફે ટીલડી કાલુમીયાં પઠાણ અને નરસિંહજી મેઘાજી ઠાકોર ભાગીદારીમાં ચલાવતા હતા. જેમાં જાવેદ અને નરસિંહજી બહારથી જુગારીઓને બોલાવવાનું કામ કરતા હતા. જગદીશ ઠાકોર લાઇટ, પાણી અને જગ્યાની વ્યવસ્થા કરી પત્તા ચીપવાનું કામ કરતો હતો, જ્યારે ચંદનજી ઠાકોર નાળના નાણાં ઉઘરાવતો હતો. આ તમામ ભાગીદારો નાળની આવકના 20-20 ટકા ભાગ વહેંચી લેતા હતા.
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતી તથા પટમાંથી મળીને કુલ 2,35,630 રૂપિયાની રોકડ, 2,35,500 રૂપિયાની કિંમતના 28 મોબાઇલ ફોન, 7,00,000 રૂપિયાની કિંમતની અર્ટીગા ગાડી, ગાદલા, તાડપત્રી, સ્ટીલનો ડબ્બો અને ઇલેક્ટ્રીક લેમ્પ સહિત કુલ 11,72,630 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નાસી છૂટેલા આરોપીઓમાં જાવેદ ઉર્ફે ટીલડી, નરસિંહજી ઠાકોર અને અન્ય બે મોબાઇલ મુકીને ભાગેલા ઇસમોનો સમાવેશ થાય છે.
ઝડપાયેલા 28 આરોપીઓમાં હારીજ, રાધનપુર, સમી, પાટણ, બેચરાજી અને અમદાવાદના જુગારીઓનો સમાવેશ થાય છે. ઈ-ગુજકોપમાં તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, પકડાયેલા મોટા ભાગના આરોપીઓ અગાઉ પણ દારૂ અને જુગારના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. જેમાં ચંદનજી ઠાકોર, મહેશકુમાર ભીલ, દિનેશજી ઠાકોર અને દીપકકુમાર રાવલ પાટણ જિલ્લાની 2026ના વર્ષની જાણીતા જુગારીઓની યાદીમાં સામેલ છે. પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા/ભારતીય ન્યાય સંહિતાની કલમ 112(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ




0 ટિપ્પણીઓ