વાવ-થરાદ જિલ્લામાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. એક તરફ પૂરતા વરસાદના અભાવે પાક અને પશુધન બચાવવાની ચિંતા સતાવી રહી છે, તો બીજી તરફ સિંચાઈના પાણીની સમસ્યાએ ખેડૂતોની પરેશાનીમાં વધારો કર્યો છે. મેઢાળા માઇનોર કેનાલમાં પૂરતું પાણી ન પહોંચતું હોવાના આક્ષેપ સાથે છેવાડાના ખેડૂતો હવે જાતે જ કેનાલમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર બન્યા છે. ખેડૂતોએ કેનાલ સાફ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે.
ચાર કિલોમીટરની કેનાલ, પાણી માત્ર એક-બે કિમી સુધી જ પહોંચતું હોવાનો આક્ષેપ
ખેડૂતોના જણાવ્યા મુજબ મેઢાળા માઇનોરની લાઇન આશરે ચાર કિલોમીટર લાંબી છે, પરંતુ કેનાલમાં છોડવામાં આવતું પાણી માત્ર એકથી બે કિલોમીટર સુધી જ પહોંચે છે. હાલ ખેડૂતોને બે-ત્રણ કલાકનો પાણીનો વારો આપવામાં આવે છે, જે છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે અપૂરતો હોવાનું ખેડૂતોનું કહેવું છે. રાત્રિના સમયે પણ પાણી છોડવામાં આવતું હોવા છતાં આગળના વિસ્તારો સુધી પાણી ન પહોંચતું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.
દર વર્ષે ખેડૂતો પોતાના ખર્ચે કેનાલની સફાઈ કરવા મજબૂર
ખેડૂત શિવરામભાઈ પટેલના જણાવ્યા મુજબ કેનાલની સમયસર સફાઈ કરવામાં આવતી નથી. કેનાલમાં ખડ, બાવળ સહિતની વનસ્પતિ તેમજ કચરો ઉગી નીકળવાથી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. પરિણામે દર વર્ષે ખેડૂતોને બે-ત્રણ વખત પોતાની મહેનત અને ખર્ચે કેનાલની સફાઈ કરવી પડે છે. હાલ પણ ખેડૂતો પાવડા લઈને કેનાલમાં ઉતરી જાતે સફાઈ કરતા જોવા મળી રહ્યા છે.
વારંવાર લેખિત રજૂઆતો છતાં કાયમી ઉકેલ નહીં
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મેઢાળા માઇનોરમાં પૂરતું પાણી પહોંચાડવા અને કેનાલની નિયમિત સફાઈ કરાવવા માટે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. લેખિત રજૂઆતો છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. અગાઉ અધિકારીઓ અને નેતાઓને સ્થળ પર બોલાવી કેનાલની સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં છેવાડાના ખેડૂતોને પૂરતું પાણી ન મળતું હોવાની ફરિયાદ યથાવત્ છે.
વરસાદની ખેંચની પાક અને પશુપાલન પર બેવડી અસર
વરસાદ ખેંચાતા ખેતીની સાથે પશુપાલન પર પણ તેની અસર જોવા મળી રહી છે. વરસાદના અભાવે ઘાસચારાની તંગી સર્જાઈ રહી છે, જેના કારણે કેનાલનું પાણી પાક અને પશુધન બંને માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગયું છે. સરકાર દ્વારા પાણી છોડવામાં આવતું હોવાના દાવા વચ્ચે મેઢાળા માઇનોરના છેવાડાના ખેડૂતો સુધી પૂરતું પાણી ન પહોંચતું હોવાની ફરિયાદ ઉઠી છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ
ખેડૂતોએ વાવ-થરાદના તંત્ર તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને અપીલ કરી છે કે મેઢાળા માઇનોરની તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવે અને પૂરતા સમય સુધી પાણી છોડવામાં આવે. ખેડૂતોની માંગ છે કે પાણીનો પ્રવાહ છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે, જેથી સતત અને પૂરતું પાણી મળી રહે અને કેનાલની કાયમી ધોરણે સફાઈ થાય. વરસાદની ખેંચ વચ્ચે સિંચાઈનું પાણી સમયસર અને પૂરતું મળે તો મહામૂલ્ય પાકને બચાવી શકાય તેમજ પશુધન માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા પણ જાળવી શકાય.
અહેવાલ : દિનેશ બિ જાખેસરા, Vav-Tharad


0 ટિપ્પણીઓ