પાટણ સીટી એ ડિવિઝન પોલીસે રૂ. 2.57 લાખના એમડી ડ્રગ્સ સાથે મહિલા આરોપીને ઝડપી પાડી...

પાટણ શહેરના રાજકાવાડા નિશાળની પોળ વિસ્તારમાં પાટણ સીટી એ ડિવિઝન પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકાવાડા નિશાળની પોળ મહોલ્લામાં રહેતો ઈરફાનઅલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝભાઈ સૈયદ તથા તેની પત્ની ફિરોજાબાનુ કોઈપણ જાતના પાસ કે પરમિટ વગર પોતાના કબજામાં માદક પદાર્થ (MD ડ્રગ્સ) રાખીને તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે.

આ બાતમી મળતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

 ત્યારબાદ પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના બે સરકારી પંચોને સાથે રાખીને બાતમીવાળા મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી ફિરોજાબાનુ ઈરફાનઅલી ઉર્ફે ધોની સૈયદ મળી આવી હતી.

મહિલાની હાજરીમાં મકાનની સઘન તપાસ કરતા સ્ટીલના એક ડબ્બામાંથી પારદર્શક ઝીપ લોક થેલીમાં આછા પીળાશ પડતા રંગનો શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. સ્થળ પર જ એફ.એસ.એલ. (FSL) અધિકારી એચ.આર. પટેલને બોલાવી પ્રિલિમિનરી ડ્રગ આઈડેન્ટિફિકેશન કિટ વડે પરીક્ષણ કરાવતા સદર પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું નિશ્ચિત થયું હતું.

ત્યારબાદ વજન કાંટાના વેપારી દિલીપભાઈ કાંતિભાઈ મોદીને સ્થળ પર બોલાવી ચોક્કસ વજન કરાવતા 78.300 ગ્રામ શુદ્ધ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 2,34,900 થાય છે.

કુલ જપ્ત મુદ્દામાલ (કિંમત રૂ. 2,57,800)

૧. મેફેડ્રોન (MD) ડ્રગ્સ: 78.300 ગ્રામ (કિંમત રૂ. 2,34,900)

૨. રોકડ રકમ: રૂ. 12,800

૩. મોબાઈલ ફોન: 2 નંગ (કિંમત રૂ. 10,000)

૪. ડિજિટલ વજન કાંટો: 1 નંગ (કિંમત રૂ. 100)

૫. અન્ય સામગ્રી: પેકિંગ માટે વપરાતી 76 નંગ નાની-મોટી ઝીપલોક થેલીઓ તથા 1 સ્ટીલની ચમચી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલી મહિલા આરોપી ફિરોજાબાનુએ કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સનો જથ્થો હરેશભાઈ પ્રજાપતિ અને તેની સાથેના અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ બે-ત્રણ દિવસ પહેલાં વેચાણ કરવાના ઈરાદે આપી ગયા હતા.

આ મામલે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધી ફિરોજાબાનુ સૈયદની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં ફરાર થયેલા સહ-આરોપી ઈરફાનઅલી ઉર્ફે ધોની ઈમ્તિયાઝભાઈ સૈયદ, ડ્રગ્સ સપ્લાયર હરેશભાઈ પ્રજાપતિ તથા અન્ય બે અજાણ્યા શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની વધુ વિગતવાર તપાસ ચાલુ છે.


અહેવાલ :- દિનેશ બિ જાખેસરા, પાટણ