વાવ-થરાદ: GPSC ભરતી પ્રક્રિયામાં અસમાનતાના આક્ષેપો, કલેક્ટરને આવેદનપત્ર અપાયું

વાવ-થરાદ, તા. ૭ સપ્ટેમ્બર: સામાજિક ક્રાંતિ અભિયાન - ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ વાવ-થરાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. GPSC દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લેખિત અને મૌખિક પરીક્ષાના ગુણાંકનમાં કથિત અસમાનતા તથા OBC, SC, ST અને લઘુમતી સમાજના ઉમેદવારો સાથે થતા અન્યાય અંગે સંગઠને ઉગ્ર રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરનારા OBC, SC, ST અને લઘુમતી સમાજના ઉમેદવારોને મૌખિક (ઇન્ટરવ્યુ) પરીક્ષામાં ઓછા ગુણ આપીને પાછળ ધકેલવામાં આવે છે, જે બંધારણીય સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન હોવાનો સંગઠને આક્ષેપ કર્યો છે.

સંગઠનની મુખ્ય પાંચ માંગણીઓ:

GPSC ની ભરતી પ્રક્રિયામાં થતી ફરિયાદોની સ્વતંત્ર તપાસ કરવામાં આવે.
મૌખિક પરીક્ષા (ઇન્ટરવ્યુ)ની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવે.
પ્રતિનિધિત્વ આધારિત દેખરેખ સમિતિની રચના કરવામાં આવે.
GPSC ના ચેરમેન હસમુખ પટેલનું રાજીનામું લેવામાં આવે.
GPSC ઇન્ટરવ્યુ કમિટીમાં SC, ST, OBC અને લઘુમતી સમાજના સભ્યોનો સમાવેશ કરવામાં આવે.
સંગઠનના કાર્યકરોએ સ્પષ્ટતા કરી હતી કે આ લડત કોઈ વ્યક્તિ વિશેષ સામે નથી, પરંતુ ગુજરાતના લાખો યુવાનોને બંધારણમાં પ્રાપ્ત સમાન તક અને ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયા મળી રહે તે માટેની છે. "જો આજે આપણે નહીં બોલીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે," તેમ કાર્યકરોએ જણાવ્યું હતું.


આવેદનપત્રના અંતે "જય ભારત, જય સંવિધાન"ના નારા સાથે સંગઠને પોતાની રજૂઆત પૂર્ણ કરી હતી.

#GPSC #સામાજિક_ક્રાંતિ_અભિયાન #વાવથરાદ #આરક્ષણ #બંધારણીય_સમાનતા

અહેવાલ:- દિનેશ બિ જાખેસરા,Vav-Tharad