શિક્ષક દિન નિમિત્તે જ સગીરા પર દુષ્કર્મ: આચાર્ય સામે ફરિયાદ


વાવ, તા. ૬: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદના સરહદી પંથકમાં આવેલી એક સરકારી માધ્યમિક શાળામાં ચકચારી બનાવ સામે આવ્યો છે. શાળામાં ફરજ બજાવતા અને શાળાના આચાર્ય મનિષભાઈ ખેમચંદભાઈ પરમારે પોતાની સત્તા અને વિશ્વાસનો દુરુપયોગ કરીને શાળામાં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે.

નૈતિક જવાબદારી ધરાવતા આ શિક્ષકે જ પોતાની પદની ગરિમાને લાંછન લગાવીને આ કૃત્ય કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.


ફરિયાદ મુજબ, સગીરા શાળામાં હાજર હતી ત્યારે આચાર્યએ તેને શાળાના રૂમની અંદર બોલાવી અંદરથી દરવાજા બંધ કરી દીધા હતા. સગીરાએ રૂમમાંથી બહાર જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ગેરકાયદેસર રીતે અટકાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું. બનાવ બાદ નરાધમ શિક્ષકે ભોગ બનનાર માસૂમ સગીરાને ધમકી આપી કે જો આ બનાવની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે.


આ શરમજનક કિસ્સો સામે આવતાં સરહદી પંથકના વાલીવર્ગ, શૈક્ષણિક આક્ષેપો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષની આગ ભભૂકી ઉઠી છે.


શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી માવસરી પોલીસે તપાસ હાથ ધરી છે.


અહેવાલ :- દિનેશ બિ જાખેસરા, Vav-Tharad