આહત્યાની દુષ્પ્રેરણાનો કેસ હત્યાના ગુનામાં તબદીલ


દલિત યુવાનના મોત કેસમાં કોર્ટના હુકમ બાદ હત્યાની કલમો ઉમેરાઈ


થરાદ, તા.૧૮

વાવ તાલુકાના મોરીખા ગામના દલિત યુવાન લખીરામ પરમારના મોત પ્રકરણમાં મોટો કાનૂની વળાંક આવ્યો છે. થરાદ એડિશનલ સેશન્સ કોર્ટે આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસને ખૂનના ગુનામાં તબદીલ કરતા, બીએનએસ કલમ ૧૦૩(૧) (હત્યા) અને કલમ ૩(૫) (સામાન્ય ઇરાદો) ઉમેરવાનો તપાસનીશ પોલીસ અધિકારીનો રિપોર્ટ માન્ય રાખી હુકમ કર્યો છે.


ડીવાયએસપીની તપાસ બાદ કોર્ટે બીએનએસ કલમ ૧૦૩(૧) અને ૩(૫) ઉમેરવા માટેનો પોલીસનો રિપોર્ટ મંજૂર કર્યો


વાવ તાલુકાના મોરીખા ગામે બનેલી દલિત યુવાન લખીરામ નરભેરામ પરમારની ચકચારી ઘટનામાં મોટો કાનૂની વળાંક આવ્યો છે. અગાઉ આ કેસમાં વાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ ૧૦૮ (આત્મહત્યાની દુષ્પ્રેરણા), ૩૫૧(૩), ૫૪ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તે મુજબ ચાર્જશીટ પણ રજૂ થઈ હતી. પરંતુ, દુષ્પ્રેરણાના કેસને ખૂનના ગુનામાં તબદીલ કરતા, બીએનએસ કલમ ૧૦૩(૧) (હત્યા) અને કલમ ૩(૫) (સામાન્ય ઇરાદો) ઉમેરવાનો તપાસનીશ પોલીસ અધિકારીનો રિપોર્ટ માન્ય રાખી હુકમ કર્યો છે.


બનાવની ગંભીરતા અને પરિવારજનો તેમજ સમાજની રજૂઆતોને ધ્યાને લઈ બનાસકાંઠા રેન્જ આઇજીપીના આદેશથી આ કેસની તપાસ સિદ્ધપુર વિભાગના (અનુસંધાન બીજા પાને)


દલિત યુવાનના મોત

(પહેલા પાનાનું ચાલુ)


નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) કે.કે. પંડ્યાને સોંપવામાં આવી હતી. તેમની ટીમ દ્વારા સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે નીડર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. તળાવમાં જે જગ્યાએથી મૃતદેહ મળ્યો હતો ત્યાં ઘટનાના દિવસે પાણી માત્ર ૪ થી ૫ ફૂટ જ ઊંડું હતું. આટલા ઓછા પાણીમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી શકે નહીં. આરોપીઓએ ભેગા મળી લખીરામને જીવતો પાણીમાં ડુબાડીને મારી નાખ્યો હોવાનું પ્રસ્થાપિત થયું હતું.


આ ઘટનામાં અરુણાબેન અને મૃતક લખીરામ વચ્ચે પ્રેમસંબંધ હતો. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરા મુજબ અરુણાબેન દ્વારા લખીરામને ફોન કરાવી તળાવ પર મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ પિતા લાલજીભાઈ, માતા બબીબેન, ભાઈ પરેશકુમાર અને સગીર બહેન ત્યાં પહોંચ્યા હતા અને લખીરામને પાણીમાં ડુબાડી દીધો હતો.


તદુપરાંત, તારીખ ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ સાક્ષી પ્રકાશભાઈ માવજીભાઈ પરમારે તમામ આરોપીઓને વારીયા તળાવ તરફ જતા અને ત્યાંથી પરત ફરતા નજરે જોયા હતા. આરોપીઓના મોબાઈલ કોલ ડિટેલ્સ (સીડીઆર) અને લોકેશન પણ ઘટનાસ્થળે મોરીખા ગામે જ મળી આવ્યા હતા. સત્ય છુપાવવા આરોપીઓએ ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાવવાનો પણ ઇનકાર કર્યો હતો. મેડિકલ અને કાયદાકીય અધિકારીના લેખિત અભિપ્રાય તથા પુન: પીએમ રિપોર્ટ મુજબ પણ આ કેસ સ્પષ્ટપણે હત્યાનો હોવાનું ફલિત થયું હતું.


તપાસનીશ અમલદાર ડીવાયએસપી કે.કે. પંડ્યા દ્વારા થરાદની એડિશનલ સેશન્સ કોર્ટમાં બીએનએસની કલમ ૧૦૩(૧) (હત્યા/ખૂન) અને ૩(૫) (સમાન ઇરાદો) ઉમેરવા માટે આંક-૩૮ થી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ દલીલો, સાક્ષીઓના નિવેદનો અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા બાદ એડિશનલ સેશન્સ જજ પી.એમ. સાયાણી દ્વારા તારીખ ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ અદાલતમાં પોલીસનો રિપોર્ટ ગ્રાહ્ય રાખતો હુકમ કરવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ માન્યું છે કે આ કેસ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો નહીં પરંતુ બીએનએસ કલમ ૧૦૩(૧) મુજબનીના ખૂન/હત્યાનો જ બને છે. આ હુકમથી પીડિત પરિવાર અને સમાજને ન્યાય મળવાની દિશામાં મોટો વિજય થયો છે.

અહેવાલ :-  દિનેશ બિ જાખેસરા Vav-Tharad