*ભાદરવા સુદ નોમ : જળસેવા અને સામાજિક સમરસતાના પ્રણેતા વીર મેઘમાયાને જન્મજયંતિએ શત શત વંદન*


*પાટણની ધરતીએ એક હજાર વર્ષ પહેલાં આપ્યો હતો સામાજિક સમરસતા અને જળસેવાનો અમર સંદેશ : વીર મેઘમાયાનું અદ્વિતીય બલિદાન*


*પાણી માટે દેહનું બલિદાન આપી સામાજિક સમરસતાની જ્યોત પ્રજ્વલિત કરનાર વીર મેઘમાયા : પાટણની ધરતીના ગૌરવગાથાના અમર નાયક*

પાટણ માત્ર ઐતિહાસિક નગરી જ નહીં, પરંતુ શૌર્ય, સંસ્કૃતિ, સ્થાપત્ય, જળસંચય અને સામાજિક સમરસતાની ગૌરવગાથા ધરાવતી ધરતી છે. આ ધરતી સાથે જોડાયેલું વીર મેઘમાયાનું નામ આજે પણ ત્યાગ, બલિદાન, જળસેવા અને સામાજિક સમરસતાના પ્રેરણાસ્ત્રોત તરીકે અંકિત છે. ભાદરવા સુદ નોમ, તા.૨૦ સપ્ટેમ્બરના રોજ વીર મેઘમાયાની જન્મજયંતિ નિમિત્તે પાટણની આ અમર ગાથાને શત શત વંદન કરવામાં આવે છે.

વિક્રમ સંવત ૮૦૨ના મહા વદ-૭ના દિવસે વીર વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાવાણીયા અને અણહીલ ભરવાડની મદદથી પાટણ નગરીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ચાવડા, સોલંકી અને વાઘેલા જેવા રાજવંશોના અનેક વીર પુરુષોએ આ ધરતી પર શાસન કરી પાટણનું નામ દેશ-દુનિયામાં ગુંજતું કર્યું. સોલંકી યુગના મહાન શાસક રાજા સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં પાટણ અને ગુજરાતે સ્થાપત્ય તથા જળવ્યવસ્થાના ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી.


સિદ્ધરાજ જયસિંહના સમયગાળાને ગુજરાતના સ્થાપત્યકલાના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળામાં ભવ્ય તળાવો, જળાશયો, વાવો, મંદિરો, સ્તંભો, તોરણો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ તે યુગની જળસંચય અને ઇજનેરી કુશળતાનું અદ્વિતીય ઉદાહરણ છે. ૧૦૦૮ નાના શિવમંદિરો સાથેનું આ વિશાળ જળાશય માત્ર જળસંચયની વ્યવસ્થા નહોતું, પરંતુ તે સમયની વિકસિત જળવ્યવસ્થા અને સ્થાપત્ય કૌશલ્યનું પ્રતીક હતું.


*સહસ્ત્રલિંગ તળાવ અને વીર મેઘમાયાનું અમર બલિદાન*


લોકવાયકા અને ઐતિહાસિક પરંપરા મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ટકતું ન હતું. રાજા દ્વારા રાજજ્યોતિષીઓ પાસે આ અંગે જાણકારી મેળવવામાં આવતા બત્રીસ લક્ષણા પુરુષના બલિદાનથી તળાવમાં પાણી ટકશે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી હતી.


આ સમયે ધોળકા નજીકના રનોડા ગામના મેઘમાયા નામના વણકર યુવાને સમગ્ર સમાજ, પશુ-પંખી અને પ્રકૃતિને પાણી મળી રહે તેવા કલ્યાણકારી ભાવ સાથે પોતાના જીવનનું બલિદાન આપવાનો સંકલ્પ કર્યો હોવાની ગાથા પ્રચલિત છે. વિક્રમ સંવત ૧૧૯૪ના મહા સુદ સાતમના દિવસે હજારો નગરજનોની હાજરીમાં વીર મેઘમાયાએ યજ્ઞવેદીમાં પોતાના દેહનું બલિદાન આપ્યું હોવાનો અમર ઇતિહાસ પાટણની ધરતી સાથે જોડાયેલો છે.


એક હજાર વર્ષ અગાઉ સામાજિક ન્યાય, સમરસતા અને સર્વજીવ કલ્યાણનો સંદેશ આપનાર વીર મેઘમાયાનું જીવન આજે પણ સમાજ માટે પ્રેરણારૂપ છે. પાણી માત્ર માનવી માટે નહીં, પરંતુ દરેક વર્ગ, દરેક જીવ અને સમગ્ર પ્રકૃતિ માટે જીવનનો આધાર છે—આ ભાવનાને પોતાના બલિદાન દ્વારા વીર મેઘમાયાએ અમર બનાવી હતી.


*વીર મેઘમાયાની ગાથાને દેશ-દુનિયા સુધી પહોંચાડવાના પ્રયાસો*


વીર મેઘમાયા વિશ્વ મેમોરિયલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર, પાટણના ચેરમેન બન્યા બાદ અમદાવાદ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ વીર મેઘમાયાની ગાથાને દેશ અને વિશ્વસ્તરે પહોંચાડવાના પ્રયાસોને વેગ આપ્યો છે.


વીર મેઘમાયાના જીવન અને બલિદાનથી દેશના વિવિધ રાજ્યોના મહાનુભાવોને પરિચિત કરાવવા માટે દિલ્હીમાં સંસ્થાની બેઠક યોજવા સહિતના પ્રયાસો કરવામાં આવ્યા છે. પાટણ-ભીલડી રેલવે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. રાણીની વાવ નજીકના રેલવે અન્ડરપાસને “શ્રી વીર મેઘમાયા અન્ડરપાસ” નામ આપવામાં આવ્યું છે.


વીર મેઘમાયાનું નામ પાણી અને જળસેવા સાથે સંકળાયેલું હોવાથી જળ મંત્રાલયની યોજના પૈકીની કોઈ એક યોજનાને વીર મેઘમાયાના નામ સાથે જોડવા, ચલણી સિક્કા પર વીર મેઘમાયાની સ્મૃતિ અંકિત કરવા તથા સામાજિક સમરસતાના પ્રણેતા તરીકે તેમના નામે ટપાલ ટિકિટ બહાર પાડવા માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી.


આ પ્રયાસોના પરિણામે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અમદાવાદના ક્ષેત્રીય કાર્યાલયથી ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા ગુજરાતના સંત અને બલિદાનના પ્રતીક એવા વીર મેઘમાયા પર સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.


*વીર મેઘમાયા મંદિર અને મેમોરિયલને ભવ્ય સ્વરૂપ*


વીર મેઘમાયાની સ્મૃતિને ચિરંજીવ રાખવા પાટણ ખાતે શ્રી વીર મેઘમાયા દેવનું ભવ્ય મંદિર અને મેમોરિયલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ય માટે રાજ્ય સરકાર દ્વારા માતબર અનુદાન ફાળવવામાં આવ્યું છે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન વીર મેઘમાયા મંદિર અને સ્મારકના વિકાસ માટે અનુદાનની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર શ્રી દ્વારા અનુદાન સહિતની સહાયથી મંદિર અને મેમોરિયલના વિકાસકાર્યોને ગતિ મળી છે


 આ સમગ્ર પરિસર આગામી પેઢીઓ માટે વીર મેઘમાયાના જીવન, બલિદાન અને સામાજિક સમરસતાના સંદેશનું પ્રેરણાકેન્દ્ર બની રહેશે.


*પાટણની ધરતીનો સંદેશ : પાણી, સમરસતા અને સર્વજન કલ્યાણ*


વીર મેઘમાયાની ગાથા માત્ર એક વ્યક્તિના બલિદાનની કથા નથી. તે પાણીના મહત્ત્વ, સર્વજીવ પ્રત્યેની કરુણા, સામાજિક સમરસતા અને સર્વજન કલ્યાણની ભાવનાને ઉજાગર કરતી પાટણની ધરતીની અમર ધરોહર છે.


આજના સમયમાં જળસંચય, જળસંરક્ષણ અને પર્યાવરણ જાળવણીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે એક હજાર વર્ષ પહેલાં પાણી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીર મેઘમાયાની ગાથા નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહે છે.


વીર મેઘમાયાએ પોતાના જીવનના બલિદાન દ્વારા આપેલો “પાણી સૌનું છે અને સૌના કલ્યાણ માટે છે” એવો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. સામાજિક સમરસતા અને સર્વજન હિતની ભાવનાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ એ જ વીર મેઘમાયાને સાચી શ્રદ્ધાંજલિ બની શકે.


ભાદરવા સુદ નોમના પાવન દિવસે વીર મેઘમાયાની જન્મજયંતિ નિમિત્તે પાટણની આ ગૌરવગાથાને સ્મરણ કરી તેમના અમર બલિદાનને શત શત વંદન.


અહેવાલ :-  દિનેશ બિ જાખેસરા, પાટણ