પાટણ / સમી: સમી તાલુકાના સમશેરપુરા ગામે ATVT યોજના હેઠળ મંજૂર થયેલા ₹૨.૫૦ લાખના સી.સી. રોડનું કામ છેલ્લા આઠ મહિનાથી ખોરંભે પડ્યું છે. ઉચ્ચ સ્તરેથી સૂચનાઓ મળી હોવા છતાં સ્થાનિક વહીવટી ઉદાસીનતાને કારણે ગ્રામજનો પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ છે.


શું છે મામલો?

રેવન્યુ સર્વે નંબર ૧૨ માંથી પસાર થતા રસ્તા પર સી.સી. રોડ માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી. પરંતુ સરકારી માપણી ન થતાં પ્રત્યક્ષ કામ શરૂ થઈ શક્યું નથી.

CPGRAMS પર ફરિયાદ, DDOને ત્રણ રિમાઇન્ડર

અરજદાર ભરતભાઈ પશાભાઈ નાડોદાએ CPGRAMS પોર્ટલ પર નોંધ નંબર MOPRJ/E/2026/0013002 થી ફરિયાદ નોંધાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી (DDO), પાટણને ૧૨, ૨૧ અને ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રિમાઇન્ડર પત્રો પાઠવાયા, છતાં કોઈ નિવેડો આવ્યો નથી.

અધિકારીઓએ જ માપણીની ભલામણ કરી

સમી મામલતદાર (જમીન વશી/૧૦૮૫/૨૦૨૬, તા. ૧૪/૦૯/૨૦૨૬) અને SDM સમી (પોસમી/૦૦૨૪/૦૯/૨૦૨૬, તા. ૧૮/૦૯/૨૦૨૬) એ સર્વે નંબર ૧૨ ની સરકારી માપણી અંગે સ્પષ્ટ ભલામણ/અહેવાલ રજૂ કર્યો છે. છતાં અમલ થયો નથી.


iORA પોર્ટલ પર વિલંબ

તાલુકા વિકાસ અધિકારી અને સરપંચ/તલાટી કમ મંત્રીના અહેવાલ મુજબ, iORA પોર્ટલ પર માપણી ફી ભરવામાં વિલંબ થતાં ૧૧/૦૯/૨૦૨૬ના રોજ ઓનલાઈન અરજી કરાઈ. હજુ સુધી માપણી પૂર્ણ થઈ નથી.

ગ્રામજનોની ચીમકી

જાહેર હિત અને ગ્રામજનોની સુવિધા માટે મંજૂર થયેલા વિકાસ કામોમાં આવી ઢીલી નીતિ ચલાવી લેવાય નહીં.

જો સત્વરે માપણી પૂર્ણ કરી રોડનું કામ શરૂ નહીં થાય અને આખરી Action Taken Report (ATR) પોર્ટલ પર અપલોડ નહીં થાય, તો પંચાયત વિભાગના સચિવ તેમજ જિલ્લા સ્વાગત (SWAGAT) કાર્યક્રમમાં કાનૂની રજૂઆત કરાશે.

હવે સૌની નજર જિલ્લા તંત્ર પર છે કે ગ્રામજનોને રોડની સુવિધા ક્યારે મળે છે.

અહેવાલ : દિનેશ બિ જાખેસરા,વાવ થરાદ મીડિયા