સમી તાલુકામાં વીજ કાપ સામે કોંગ્રેસનું આવેદનપત્ર: આગેવાનો અને ગ્રામજનો જોડાયા
સમી, તા. 09/10/2026 – સમી તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ સાંજે 6:00 થી રાત્રે 8:30 વાગ્યા સુધી વીજળી બંધ રાખવામાં આવતી હોવાના મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા સમી GEB કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ પરસોતમભાઈ ઠાકોરે ગ્રામજનોને અપીલ કરી હતી. તે અનુસાર આજે બપોરે 2:00 વાગ્યે GEB કચેરી, સમી ખાતે શાંતિપૂર્ણ રજૂઆતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમી તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રામસંગજી ભાવસંગજી ઠાકોર, સમી તાલુકા પંચાયતના સદસ્ય ઇલિયાસભાઈ દાઉદભાઈ ઘાંચી, વેડ ગામ પંચાયતના સરપંચ મહેશભાઈ ઠાકોર, યુવા કોંગ્રેસના સાગરભાઈ રબારી, લવિંગજી ઠાકોર સહિત કોંગ્રેસના વિવિધ કાર્યકરો અને તાલુકાના વિવિધ ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભેગા મળી જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
રજૂઆતમાં જણાવાયું હતું કે સાંજના સમયે વીજળી બંધ રહેવાથી રાત્રે પરિવાર માટે ભોજન બનાવવામાં, બાળકોના અભ્યાસમાં અને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અંધારાને કારણે ખાસ કરીને મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને વધુ હાલાકી ભોગવવી પડે છે. આથી વીજ પુરવઠો નિયમિત અને સમયસર આપવાની માંગ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સૌએ આશા વ્યક્ત કરી હતી કે એકજૂટ થઈને કરેલી રજૂઆતથી વીજળી પ્રશ્નનું યોગ્ય નિરાકરણ આવશે.
અહેવાલ દિનેશ બિ જાખેસરા, સમી

0 ટિપ્પણીઓ