મારું શહેર મારું ગૌરવ: વોટ્સએપ મેસેજથી થશે શહેરી સ્વચ્છતાની ફરિયાદોનું નિવારણ
સ્વચ્છ ભારત મિશન (શહેરી)ની નવીન પહેલ: નાગરિકો ફોટો અને લાઇવ લોકેશન મોકલીને ફરિયાદ નોંધાવી શકશે
પાટણ, તા. ૦૨/૧૦/૨૦૨૬ – સ્વચ્છ ભારત મિશન (શહેરી) – ગુજરાત દ્વારા રાજ્યના શહેરોને વધુ સુંદર, સ્વચ્છ અને નાગરિક-કેન્દ્રિત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને "મારું શહેર મારું ગૌરવ" નામની પ્રશંસનીય પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને કચરા નિકાલ સંબંધિત ફરિયાદોના ઝડપી ઉકેલ માટે ખાસ વોટ્સએપ આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમ (WhatsApp Grievance Redressal System) લોન્ચ કરવામાં આવી છે.
આ નવીન સુવિધા અંતર્ગત નાગરિકો પોતાના વિસ્તારમાં ફેલાયેલી ગંદકી, કચરાના ઢગલા કે સફાઈ સંબંધિત મુશ્કેલીઓની ફરિયાદ સીધી જ વોટ્સએપ નંબર 76228 80000 પર મોકલી શકશે. જાહેર સ્થળો પર મૂકવામાં આવેલા QR કોડ સ્કેન કરીને પણ નાગરિકો સીધા આ સિસ્ટમ સાથે જોડાઈ સેકન્ડોમાં ફરિયાદ નોંધાવી શકશે.
ફરિયાદ નોંધાવવાની સરળ પ્રક્રિયા
૧. ફોટો મોકલો: ગંદકી કે કચરો પડ્યો હોય તેનો સ્પષ્ટ ફોટો પાડીને વોટ્સએપ નંબર પર મોકલો.
૨. લોકેશન શેર કરો: ઘટનાસ્થળનું લાઇવ અથવા કરન્ટ લોકેશન (GPS Location) શેર કરો.
૩. ત્વરિત નોંધણી: તમારી ફરિયાદ સંબંધિત સ્થાનિક તંત્ર પાસે આપોઆપ નોંધાઈ જશે.
૪. ઝડપી ઉકેલ: મ્યુનિસિપલ કોર્પોરેશન/નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી સફાઈ કામગીરી પૂર્ણ કરશે અને સફાઈ થયા બાદ નાગરિકને કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે.
શહેર આપણું છે, તો સ્વચ્છતાની જવાબદારી પણ આપણી છે
સ્વચ્છ ભારત મિશન (શહેરી) દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ગંદકી મુક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બની આ આધુનિક સુવિધાનો મહત્તમ ઉપયોગ કરે. સાથે જ, જાહેર રસ્તાઓ કે રહેણાંક વિસ્તારોમાં કચરો ન ફેંકવા અને સફાઈ ઝુંબેશમાં તંત્રને સહકાર આપવા પણ વિનંતી કરવામાં આવી છે.
જોડાઓ સ્વચ્છતા અભિયાનમાં – આજે જ સેવ કરો વોટ્સએપ નંબર: 76228 80000
અહેવાલ : દિનેશ બિ જાખેસરા, પાટણ

0 ટિપ્પણીઓ