અંબાજીમાં જીવનનો જયઘોષ: "જીવીશું અને જીવવા દઈશું" ના સંકલ્પ સાથે 350 વિદ્યાર્થીઓએ લીધા આત્મહત્યા નિવારણના શપથ


કુંભારિયા-અંબાજી, તા. 01/10/2026

યુવાનોમાં વધતા માનસિક તણાવ અને હતાશા સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી કુંભારિયા-અંબાજી સ્થિત શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ ખાતે IQAC અને નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) ના સંયુક્ત ઉપક્રમે "Life is Beautiful: Seminar for Mental Health, Well-being and Suicide Prevention" સેમિનારનું ભવ્ય આયોજન કરાયું હતું. સેમિનારમાં કોલેજના 350થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે VNSB કોલેજ, વડનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર, માઇન્ડ ટ્રેનર અને સાયકોલોજિસ્ટ ડૉ. રાજેશકુમાર એચ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય, સકારાત્મક જીવનદૃષ્ટિ અને તણાવ વ્યવસ્થાપન અંગે પ્રભાવશાળી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. પરમારે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોને આત્મહત્યા નિવારણના શપથ અપાવ્યા છે. પોતાના આ અનુભવો વર્ણવી તેમણે વિદ્યાર્થીઓમાં જીવન પ્રત્યે નવો ઉત્સાહ અને પ્રેરણા જગાવી હતી.

કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે 350થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે સુસાઇડ પ્રિવેન્શન ઓથ (આત્મહત્યા નિવારણ શપથ) લીધા. "જીવીશું અને જીવવા દઈશું" ના સૂત્ર સાથે વિદ્યાર્થીઓએ જીવનને પ્રેમ કરવાનો તથા જરૂરિયાતમંદ સાથીઓને મદદરૂપ થવાનો દૃઢ સંકલ્પ કર્યો હતો. એકસાથે ગુંજી ઊઠેલા આ સંકલ્પથી સમગ્ર વાતાવરણ ભાવસભર બની ગયું હતું.


અતિથિ વિશેષ તરીકે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી જસવંતભાઈ ડાભી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. અધ્યક્ષ સ્થાને કોલેજના આચાર્ય ડૉ. શંકર પટેલ રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંકલન NTF કોઓર્ડિનેટર ડૉ. વિજય ઉત્સવ દ્વારા કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમના અંતે આચાર્યશ્રી દ્વારા ડૉ. રાજેશકુમાર પરમારને પ્રશંસાપત્ર એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.


✍️ દિનેશ બિ જાખેસરા, Vav-Tharad 

_Vav Tharad Media