મોજ-મસ્તીમાં શરૂ થયેલી પગપાળા યાત્રા બની અતૂટ આસ્થાની સફર: ઘોડાસરના લક્ષ દેસાઈએ પૂર્ણ કર્યા સતત ૨૪૪ પગપાળા શનિવાર

ઘોડાસર (વાવ-થરાદ):આજના સમયમાં જ્યારે યુવાનો ઝડપથી બદલાતા શોખ અને ટૂંકા સમયના જોશમાં જીવતા હોય છે, ત્યારે વાવ-થરાદ તાલુકાના ઘોડાસર ગામના યુવાન લક્ષ દેસાઈ શ્રદ્ધા અને સાતત્યનું જીવંત ઉદાહરણ બન્યા છે. શ્રી હનુમાન દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે તેમણે ગેલા સ્થિત શ્રી હનુમાન દાદાના શ્રીમંદિર સુધીની પગપાળા યાત્રા સતત ૨૪૪ શનિવાર સુધી પૂર્ણ કરી છે. વર્ષ ૨૦૨૨માં મિત્રો સાથે મોજ-મસ્તીમાં શરૂ થયેલી આ યાત્રા આજે તેમના જીવનની અનોખી ઓળખ બની ગઈ છે.

મિત્રો સાથે શરૂ થઈ હતી સફર

લક્ષ દેસાઈએ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ મિત્રો સાથે ગેલા ખાતે આવેલા શ્રી હનુમાન દાદાના મંદિરે પગપાળા જવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ યાત્રા પાછળ કોઈ ખાસ આયોજન કે માનતા નહોતી. મિત્રો સાથે મસ્તી-મજાકમાં શરૂ થયેલી આ સફર ધીમે ધીમે લક્ષના જીવનનો એક મહત્વનો ભાગ બની ગઈ.

મિત્રોનો સાથ છૂટ્યો, પણ સંકલ્પ અડગ રહ્યો

સમય જતાં મિત્રો એક પછી એક પગપાળા જવાનું બંધ કરતા ગયા, પરંતુ લક્ષનું મન શ્રી હનુમાન દાદાની ભક્તિમાં લાગી ગયું હતું. મિત્રોનો સાથ છૂટી ગયો હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર એકલા હાથે પણ પગપાળા જવાની પરંપરા ચાલુ રાખી. દર શનિવારે ગેલા સુધી પગપાળા પહોંચીને દાદાના દર્શન કરવાની આ શ્રદ્ધાભરી સફર આજે પણ અવિરત ચાલુ છે. વરસો સુધી નિયમ જાળવી રાખવો સરળ નથી, પરંતુ લક્ષ માટે આ યાત્રા હવે માત્ર નિયમ નહીં, પણ શ્રદ્ધા અને આત્મસંતોષનું માધ્યમ બની ગઈ છે.


દાદાની કૃપા માને છે

લક્ષ દેસાઈ પોતાની આ સફળતા અને લોકોના પ્રેમને શ્રી હનુમાન દાદાની કૃપા માને છે. તેમના જણાવ્યા મુજબ, “લોકો મને પસંદ કરે છે અને મારી સફરને જે પ્રેમ અને સપોર્ટ આપે છે, એ બધું દાદાની દયા છે.”

યાત્રા આગળ પણ ચાલુ રહેશે

આજે ૨૪૪ પગપાળા શનિવાર પૂર્ણ કર્યા બાદ પણ લક્ષ દેસાઈની આ યાત્રા અટકી નથી. મિત્રો સાથે મોજ-મસ્તીમાં શરૂ થયેલી આ સફર હવે શ્રદ્ધા, સંકલ્પ અને સતત પ્રયત્નની ઓળખ બની છે. લક્ષનો સંકલ્પ છે કે શ્રી હનુમાન દાદાના આશીર્વાદ સાથે તેમની આ પગપાળા સફર આગળ પણ સતત ચાલુ રહેશે. ગામ અને વિસ્તારના લોકો માટે લક્ષની આ સફર શ્રદ્ધા અને દૃઢ નિશ્ચયની પ્રેરણા બની રહી છે.


અહેવાલ : દિનેશ બિ જાખેસરા, Vav-Tharad