*લાયસન્સ વિના ચાલતા ડેરી એકમમાંથી 10 હજાર લીટર છાશનો નાશ, અન્ય એકમનું FSSAI લાયસન્સ સસ્પેન્ડ*

*પાટણ નગરપાલિકા અને FDCAની સંયુક્ત તપાસમાં ખાદ્ય સુરક્ષાની ગંભીર બેદરકારી સામે કાયદેસરની કાર્યવાહી*

પાટણ શહેરમાં ડેરી તથા દૂધની બનાવટોના એકમોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય તે હેતુસર પાટણ નગરપાલિકા અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA), પાટણની સંયુક્ત ટીમ દ્વારા વિવિધ ડેરી એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે એકમોમાં ગંભીર પ્રકારની ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતા સંબંધિત ખામીઓ જણાતાં નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



તપાસ દરમિયાન શ્રી બંસીકુમાર પંકજકુમાર પટેલ, M/s Patel Gitaben Pankajbhai, સરનામું- 37-38, સુભાષનગર સોસાયટી, શાંતિનાથ સોસાયટી સામે, પાટણ ખાતેનો ડેરી એકમ FSSAI લાયસન્સ વિના સંચાલિત હોવાનું જણાયું હતું. એકમમાં ઉત્પાદન પ્રક્રિયા અસ્વચ્છ પરિસ્થિતિમાં થતી હોવાનું તેમજ દૂધની ખરીદી અંગેના જરૂરી રેકોર્ડ તથા પુરાવા ઉપલબ્ધ ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.


વધુમાં, માનવ વપરાશ માટે યોગ્ય ન હોય તેવી વેસ્ટ છાશનો ઉપયોગ છાશ, માખણ તથા ક્રીમ તૈયાર કરવા માટે કરવામાં આવતો હોવાનું જણાયું હતું. એકમમાં ખાદ્ય વ્યવસાય માટે જરૂરી દસ્તાવેજો તેમજ યોગ્ય અને સ્વચ્છ ઉત્પાદન સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન છાશ અને ક્રીમના કુલ બે નમૂના લેવામાં આવ્યા છે, જે વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.


જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને એકમમાંથી આશરે 10,000 લીટર છાશ, જેની અંદાજિત કિંમત રૂ. 3 લાખ, પાટણ નગરપાલિકાની ટીમના સહયોગથી STP ખાતે નાશ કરવામાં આવી હતી.


આ ઉપરાંત Shri Sai Krupa Buttermilk Center, Patan, સંચાલક- શ્રી મહેશકુમાર રમેશભાઈ પટેલ, સરનામું- 13/3/09, 4, C.K. Estate, સિદ્ધપુર રોડ, પાટણ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ એકમ પાસે Dairy Manufacturing માટે FSSAI Licence હોવા છતાં સ્થળ તપાસ દરમિયાન ગંભીર સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષા સંબંધિત ખામીઓ જોવા મળી હતી.


તપાસ દરમિયાન પરિસરમાં ભારે માખીઓનો ઉપદ્રવ, પક્ષીના માળા, જાળાં તથા અસ્વચ્છ પરિસ્થિતિ જોવા મળી હતી. ઉત્પાદન વિસ્તારમાં ખાદ્ય પદાર્થો અને વેસ્ટ છાશનો યોગ્ય માર્કિંગ તથા અલગ વ્યવસ્થા વિના સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ જણાયું હતું. દૂધના સ્ત્રોત અંગે જરૂરી વ્યવસ્થા તથા રેકોર્ડ પણ ઉપલબ્ધ નહોતા.


આ ગંભીર ખામીઓને ધ્યાનમાં રાખીને FSSAI Licence તાત્કાલિક અસરથી Suspend કરવામાં આવ્યું છે તથા એકમને તમામ food processing, manufacturing, storage, distribution અને sale activities બંધ કરવા સૂચના આપવામાં આવી છે. તપાસ દરમિયાન આ એકમમાંથી છાશ અને ઘીના કુલ બે નમૂના લેવામાં આવ્યા છે. ઉપરાંત આશરે 45 કિગ્રા ઘી, જેની અંદાજિત કિંમત રૂ. 24,750, જપ્ત કરવામાં આવ્યું છે તથા આશરે 200 લીટર છાશ, જેની અંદાજિત કિંમત રૂ. 1,000, નાશ કરવામાં આવી છે.


આમ, બંને એકમોમાંથી કુલ 10,200 લીટર છાશનો નાશ કરવામાં આવ્યો છે અને 45 કિગ્રા ઘી જપ્ત કરવામાં આવ્યું છે. નાશ કરાયેલ તથા જપ્ત કરાયેલ ખાદ્ય પદાર્થોની કુલ અંદાજિત કિંમત રૂ. 3,25,750 થાય છે.


FDCA દ્વારા પાટણ જિલ્લાના તમામ ડેરી તથા ખાદ્ય વ્યવસાય સંચાલકોને માન્ય FSSAI Licence સાથે જ ખાદ્ય વ્યવસાય કરવા, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ઉત્પાદન કરવા, કાચા માલના સ્ત્રોત તથા જરૂરી રેકોર્ડ જાળવવા અને ખાદ્ય સુરક્ષાના ધોરણોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



અહેવાલ  :-  દિનેશ બિ જાખેસરા, પાટણ