શુક્રવાર, 8 મે, 2026

 સુઈગામ સરહદે આવેલા ભરડવા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા ગ્રામજનોમાં રોષ, તાત્કાલિક પાણી પુરવઠાની માંગ...


સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં પીવાનું પાણી ના મળતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. 


વાવ થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે ગામમાં નિયમિત પાણી પુરવઠો ન મળતા લોકો પાણી માટે વલખાં મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.


પ્રાપ્ત વિગતો મુજબ ગામના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જેના કારણે મહિલાઓને વહેલી સવારથી પાણી માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. કેટલાક પરિવારોને તો દૂરના વિસ્તારોમાંથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. પાણીની અછતને કારણે દૈનિક જીવન પર પણ અસર પડી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.


ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અનેક વખત સંબંધિત વિભાગ અને સ્થાનિક તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ઉનાળાની સિઝનમાં પાણીની માંગ વધતા હાલ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.


સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ટેન્કર મારફતે પાણી પુરવઠો શરૂ કરવા તેમજ ગામમાં નિયમિત અને પૂરતો પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવી છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ હોવાનું જાણવા મળ્યું છે.


અહેવાલ : દિનેશ બિ જાખેસરા,વાવ થરાદ...





સોમવાર, 4 મે, 2026


   રણબંકા રણછોડ પગી :    

   1971ના યુદ્ધનો અદમ્ય હીરો 




 VavTharad Media ( દિનેશ બિ.જાખેસરા)

   અંધારી મેઘલી રાત, ચોતરફ અફાટ રણ અને એવો રસ્તો કે જ્યાં દિવસે પણ માણસ પણ ભૂલો પડી જાય. આવી ભયાનક રાત્રે, એક પાઘડી ધારી વીર પુરુષ લગભગ 20 કિલોમીટરનો કપરો પંથ કાપીને સુઈગામના આર્મી કેમ્પમાં દાખલ થાય છે. આ માલધારી ને જોતા જ સેનાના કર્નલ આદર સાથે ઊભા થઈ જાય છે અને ઉત્સુકતાથી પૂછે છે:
“પગીજી, શું ખબર છે?”

માલધારી શાંતિથી જવાબ આપે છે,
“સાહેબ, બધું જ બરાબર છે, આપણા સિપાઈઓ સલામત છે. પરંતુ મને મધ્યરાત્રિએ શા માટે બોલાવ્યા?”
અફસરે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી કોઈ મોટો પડકાર આવે તે પહેલાં આપણે તેમના જ ઘરમાં ઘૂસીને તેમને દબોચવા ના છે. એ રાત્રે સેનાના અફસરોએ વ્યૂહરચના સમજાવી અને અનુભવી માલધારીએ રણની એક-એક ભૌગોલિક વિગત આપી. આ માલધારી એટલે રણના રક્ષક — રણછોડ બાપુ રબારી (પગી બાપુ).

🧭 પગેરું કાઢવામાં અજોડ મહારત

બનાસકાંઠાના લીંબળા ગામના વતની રણછોડ પગીનું મૂળ ગામ માવસરી હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા તેઓ માલધન ચરાવવા છેક પારકર (પાકિસ્તાન) સુધી જતા, એટલે આખું રણ તેમના પગતળે હતું.
પગીબાપુ પગલાં જોઈને કહી શકતા કે માણસ કઈ દિશામાં ગયો છે, તેની ઉંમર કેટલી હશે, માથે કેટલું વજન હશે અને તે કેટલો થાકેલો હશે. 1971ના યુદ્ધમાં ભારતીય સેનાએ તેમની આ અદભુત શક્તિનો ઉપયોગ કરવા માટે તેમને હંગામી ધોરણે ‘પગી’ તરીકે નિયુક્ત કર્યા હતા.

🪖 યુદ્ધના મોરચે વીરતાના દર્શન

   મધ્યરાત્રિએ જ્યારે ફોજની ટુકડીઓ નીકળી, ત્યારે સૌથી આગળના વાહનમાં પગીબાપુ હતા. લાઇટો બંધ રાખીને કાફલો આગળ વધતો હતો.
નડાબેટ પહોંચતા જ પગીબાપુએ મહત્વપૂર્ણ સલાહ આપી:
“સાહેબ, અહીંથી આગળ વાહનો ફસાઈ જશે, હવે પગપાળા જવું હિતાવહ છે.”
એક સામાન્ય માલધારીની આવી સૂઝબૂઝ જોઈ આર્મી ઓફિસરો પણ આશ્ચર્યચકિત રહી ગયા. પગીબાપુ આગળ અને પાછળ ભારત માતાના સપૂતો — આમ કાફલો સુરક્ષિત રીતે ‘ધન બેટ’ સુધી પહોંચ્યો.

🕵️‍♂️ જાસૂસી અને અદ્દભુત સાહસ

   રણછોડ બાપુ માત્ર માર્ગદર્શક નહોતા, પણ એક નીડર જાસૂસ પણ હતા. યુદ્ધ દરમિયાન તેઓ દુશ્મનની સ્થિતિ જાણવા એકલા પાકિસ્તાની સરહદમાં ઘૂસી ગયા.
એક પ્રસંગે તેઓ દુશ્મનની નજરે ચડી ગયા અને તેમની ધરપકડ થઈ. પરંતુ સંજોગો એવા બન્યા કે કેદખાનાનું તાળું ખુલ્લું રહી ગયું અને પગીબાપુ ત્યાંથી ભાગી છૂટ્યા. પરત ફરતી વખતે તેમણે દુશ્મન ફોજની દરેક હલચલ અને પોઝિશનની મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી અને સુરક્ષિત રીતે ભારતીય છાવણીમાં પહોંચાડી.

🐪 દારૂગોળાની સપ્લાય – યુદ્ધનો ટર્નિંગ પોઇન્ટ

યુદ્ધના અંતિમ તબક્કે જ્યારે ભારતીય સેના પાકિસ્તાનમાં 10–12 કિલોમીટર અંદર ઘૂસી ગઈ હતી, ત્યારે દારૂગોળો ખૂટવા લાગ્યો.
રણછોડ બાપુએ જવાબદારી લીધી. તેઓ નડાબેટ આવ્યા, પાંચ ઊંટ પર દારૂગોળો ભરી, ક્યાંય પણ આરામ કર્યા વગર સીધા યુદ્ધના મોરચે પહોંચ્યા. તેમના આ સાહસને કારણે ભારતીય સેનાની આગળ વધવાની શક્તિ જળવાઈ રહી.

🎖️ રાષ્ટ્રીય સન્માન અને ગૌરવ

તેમની વીરતાની ગાથા જ્યારે ફીલ્ડ માર્શલ Sam Manekshaw સુધી પહોંચી, ત્યારે તેમને દિલ્હી બોલાવી ખાસ સન્માન આપવામાં આવ્યું. જનરલે તેમની પીઠ થાબડીને તેમની બહાદુરીને બિરદાવ્યા.
રણછોડ પગીના યોગદાનને માન આપી સરહદ પર એક પોસ્ટનું નામ ‘રણછોડ પોસ્ટ’ રાખવામાં આવ્યું — જે આજે પણ તેમની શૌર્યગાથાની સાક્ષી છે.

🛕 આધ્યાત્મિકતા અને માનવીયતા

રણછોડ પગી માત્ર યુદ્ધના હીરો જ નહોતા, પરંતુ એક ભક્તિભર્યા અને સેવાભાવી વ્યક્તિત્વ પણ હતા. તેઓ Muleshwar Mahadev Templeના અનન્ય ભક્ત હતા અને શ્રાવણ માસમાં સેવા-ભક્તિમાં લીન રહેતા.

🇮🇳 એક અમર પ્રેરણા

રણછોડ પગીનું જીવન સાબિત કરે છે કે દેશભક્તિ માટે યુનિફોર્મ જરૂરી નથી — હિંમત, બુદ્ધિ અને સમર્પણ જ સાચી ઓળખ છે.
તેમની ગાથા માત્ર ઈતિહાસ નથી, પરંતુ દરેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે.
🙏 ભારત માતાના આ રણબંકા વીરને કોટિ કોટિ નમન


નોંધ: આ લેખ ઇતિહાસિક માહિતી અને લોકવર્તમાન તથા મૌખિક પરંપરા આધારિત સંકલન છે.

રવિવાર, 3 મે, 2026

આવી રહ્યું છે વાવ થરાદ મીડિયા આપ સૌનું પોતાનું પ્લેટફોર્મ હવે થશે દરેક નાનાથી નાના માણસનો અવાજ બુલંદ

 વાવ થરાદ મીડિયા સિદ્ધિ જનતાની વાત નિષ્પક્ષ સમાચાર નીડર અવાજ 

વાવ થરાદ મીડિયા” આપના વિસ્તારનો વિશ્વસનીય અને નિષ્પક્ષ ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ છે, જે ટૂંક સમયમાં આપના વિસ્તારમાં લોકોનો અવાજ બનીને સામે આવી રહ્યું છે. અમારી મુખ્ય વિચારધારા સત્ય, નિષ્પક્ષતા અને નિર્ભય પત્રકારિતાને સમર્પિત છે. અમે વાવ, થરાદ, સુઇગામ તેમજ પાટણ જિલ્લામાં બનતી દરેક મહત્વપૂર્ણ ઘટનાઓ, સ્થાનિક પ્રશ્નો, ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જનતાને અસર કરતી બાબતોને પ્રકાશમાં લાવવાનો નિર્ધાર રાખીએ છીએ.

“વાવ થરાદ મીડિયા” માત્ર સમાચાર આપતું પ્લેટફોર્મ નથી, પરંતુ સામાન્ય માણસનો બુલંદ અવાજ છે. અમે ગરીબ, નિરાધાર અને પીડિત લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું કામ કરીશું. અમારી ટીમનો હેતુ છે કે સમાજમાં ચાલતા અન્યાય, કૌભાંડ અને બેદરકારી સામે સત્ય અને હકીકત રજૂ કરવામાં આવે, જેથી જવાબદાર તંત્ર સુધી સાચી માહિતી પહોંચે.

આ પ્લેટફોર્મ દ્વારા અમે લોકોના પ્રશ્નોને ઉજાગર કરી, સમાજમાં જાગૃતિ લાવવાનું અને પારદર્શક પત્રકારિતા દ્વારા વિશ્વાસ જીતવાનું લક્ષ્ય રાખીએ છીએ. “નિષ્પક્ષ સમાચાર, નિર્ભય અવાજ” એ જ અમારી ઓળખ રહેશે.

વાવ થરાદ મીડિયા – જનતાનો અવાજ, સત્ય માટે સંઘર્ષ.



✍️સમાચાર માટે કોન્ટેક્ટ કરો પત્રકાર દિનેશ બી જાખેસરા, વાવ-થરાદ મો.9624272458

  સુઈગામ સરહદે આવેલા ભરડવા ગામે પીવાના પાણીની વિકટ સમસ્યા ગ્રામજનોમાં રોષ, તાત્કાલિક પાણી પુરવઠાની માંગ... સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં પીવા...