દિયોદર તાલુકા પંચાયતમાં સત્તાના ખેલ વચ્ચે કથિત રાજકીય દબાણ લાવવાનો પોલીસ પર આક્ષેપ; સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર પીએમઓ અને સીએમઓ સહિત ઉચ્ચ સ્તરે કરી ગંભીર રજૂઆત
વાવ થરાદ મીડિયા (રાજકીય ન્યૂઝ ડેસ્ક): બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ચાલી રહેલો હાઈવોલ્ટેજ ડ્રામા હવે એક નવા સ્તરે પહોંચી ગયો છે. વાવ-થરાદના પૂર્વ ધારાસભ્ય અને સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક સળગતી પોસ્ટ શેર કરીને સ્થાનિક પોલીસ તંત્ર અને ખાસ કરીને પોલીસ અધિકારી એ.પી. ચૌધરી સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. ગેનીબેને સીધી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો પોલીસ પોતાની મર્યાદા વટાવીને રાજકીય ઈશારે પંચાયત તોડવાના પ્રયાસો બંધ નહીં કરે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
વર્ષ ૨૦૧૭ના કથિત પક્ષપાતનો ઉલ્લેખ
ગેનીબેન ઠાકોરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં પોલીસ અધિકારી એ.પી. ચૌધરીની ભૂતકાળની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું છે કે, "વાવ થરાદ જીલ્લા એલ.સી.બી પી.આઈ એ.પી. ચૌધરી અગાઉ ૨૦૧૭ માં સુઇગામ પોલીસ સ્ટેશનમાં એક તરફી કાર્યવાહી કરતા હતા!" ગેનીબેનનો ઈશારો એ તરફ છે કે આ અધિકારી અગાઉ પણ પક્ષપાતી વલણ અપનાવી ચૂક્યા છે.
"સભ્યોના પરિવારોને ધમકીઓ આપવાનું બંધ કરો"
હાલમાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ગેનીબેને આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે, પોલીસ અધિકારી હવે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની પોતાની અસલી જગ્યાએ દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારોને ધમકીઓ આપી રહ્યા છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્યો પર પોલીસનો ડર બતાવીને રાજકીય દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનો આડકતરો આરોપ પણ તેમણે લગાવ્યો છે.
દિયોદરમાં રાજકીય ગરમાવો વધ્યો
આ અગાઉ કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પણ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી લંબાવવા પાછળ તંત્ર પર રાજકીય દબાણ હોવાના આક્ષેપો કર્યા હતા, ત્યારે હવે ગેનીબેન ઠાકોર દ્વારા સીધા પોલીસ અધિકારીનું નામ લઈને આપવામાં આવેલી આ ખુલ્લી ચેતવણીને કારણે બનાસકાંઠા પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષનો આરોપ છે કે કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ સરકારી તંત્ર અને ખાખી વર્દીનો દુરુપયોગ કરીને લોકશાહીનું ચીરહરણ કરી રહ્યું છે.
હવે જોવાનું એ રહેશે કે આટલા ગંભીર આક્ષેપો અને ખુલ્લી ચેતવણી બાદ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ કે રાજ્ય સરકાર આ મામલે કેવા પગલાં ભરે છે!
બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકની આવી જ પળેપળની ગરમાગરમ અને નીડર રાજકીય અપડેટ્સ માટે જોતા રહો અને વાંચતા રહો: "વાવ થરાદ મીડિયા" – સત્યનું ઉજાગર, નિષ્પક્ષ સમાચાર, નીડર અવાજ.
✍️દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા

0 ટિપ્પણીઓ