સમી હેલ્થ કચેરીમાં આઉટસોર્સિંગ ક્લાર્ક દ્વારા રૂ.27.19 લાખની ઉચાપતનો આક્ષેપ; આશા બહેનોના ભથ્થા અને સરકારી ગ્રાન્ટના નાણાં અંગત ખાતામાં ટ્રાન્સફર કર્યાનો આરોપ

આશા બહેનોને ભથ્થું ન મળતાં કૌભાંડનો થયો પર્દાફાશ

• ચેક અને બેંક ટ્રાન્સફર શીટમાં છેડછાડ કરીને આચરાઈ ગેરરીતિ

• સમી પોલીસ મથકે FIR નોંધાઈ, તપાસ શરૂ  કરી છે.

પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકા હેલ્થ કચેરીમાં ફરજ બજાવતા એક આઉટસોર્સિંગ ક્લાર્ક સામે સરકારી નાણાં અને કર્મચારીઓના હકના નાણાંની કુલ રૂ.27,19,982ની ઉચાપત આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપી ભરતભાઈ પશાભાઈ નાડોદા (રહે. ભામાથળ, તા. સમી) વર્ષ 2018થી એજન્સી મારફતે સમી હેલ્થ કચેરીમાં આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે હાલના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. નિકુલકુમાર ચંદુલાલ તારાચંદ નાયક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તાલુકાની આશા બહેનોએ તેમના ટોપઅપ અને વધારાના ભથ્થાની રકમ ન મળવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ બેંક વ્યવહારો અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન કથિત ગેરરીતિઓ સામે આવી હતી.


ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ આશા બહેનોના માનદ વેતન માટે આવેલા રૂ.6,79,580ના ચેકમાં કથિત રીતે છેડછાડ કરીને રકમ રૂ.26,79,580 દર્શાવી હતી. ઉપરાંત કર્મચારીઓની બેંક ટ્રાન્સફર શીટમાં પોતાનું નામ અને રૂ.21 લાખની રકમ ઉમેરીને નાણાં પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યાનો પણ આક્ષેપ છે.

આ ઉપરાંત અન્ય કેટલાક ચેક પોતાના નામે વટાવ્યા હોવા તેમજ કન્ટીજન્સી, લાઈટ બિલ અને કર્મચારીઓના NPS, GPF તથા જૂથ વીમા સંબંધિત કુલ રૂ.3,74,569ની રકમ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે અંગત ખાતામાં જમા કરાવી હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં FIR નં. 11217029260316 નોંધાઈ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની  ૩૧૬(૫),૩૩૬(૨),૩૩૬(૩),૩૩૮,૩૪૦(૨), વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહારો, બેંક દસ્તાવેજો અને સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. 

સ્થળ: પાટણ

તારીખ: 11 જૂન, 2026

રિપોર્ટર : દિનેશ બી જાખેસરા (પત્રકાર) વાવ થરાદ મીડિયા, સમી