પાટણ જિલ્લાના સાંતલપુર માં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ખુલ્લી ગટર, તૂટેલા ઢાંકણા અને ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારની મુખ્ય ગટરના અનેક ઢાંકણા તૂટી ગયા છે અથવા સંપૂર્ણપણે ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. ગટર લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતાં ચેપી રોગો ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લી ગટરના કારણે અગાઉ અનેક અકસ્માતો પણ સર્જાયા છે.
ખાસ કરીને પ્રાથમિક શાળાએ જવાના મુખ્ય માર્ગ પર આવેલી ખુલ્લી ગટર બાળકો માટે જોખમરૂપ બની છે. અનેક વખત નાના બાળકો ગટરમાં પડી જવાની ઘટનાઓ બન્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ સમગ્ર સ્થિતિના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક ગટરની સફાઈ, તૂટેલા ઢાંકણાં બદલવા અને કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે જો પ્રશ્નનો વહેલી તકે નિકાલ નહીં થાય તો નાગરિકો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે.
હવે જોવાનું એ રહેશે કે સ્થાનિકોની વારંવારની રજૂઆતો બાદ તંત્ર આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે કેટલા ઝડપથી પગલાં ભરે છે કેમ .
રીપોર્ટર : ✍️દિનેશ બી જાખેસરા, પાટણ



0 ટિપ્પણીઓ