*પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*


*પ્રજાલક્ષી અને લોકસુવિધાના પ્રશ્નોનું સત્વરે નિવારણ કરવા કલેક્ટર ની તાકીદ*


*બેઠકમાં જિલ્લાના ધારાસભ્યઓ અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ*



પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના પ્રજાકીય સુવિધાના વિવિધ પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.


બેઠકની અધ્યક્ષતા કરતા જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોનો ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી, તેનો સત્વરે અને સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી. 


તેમણે ઉમેર્યું હતું કે, પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં અને સામાન્ય નાગરિકોની સુવિધાના પ્રશ્નો પ્રાથમિકતાના ધોરણે ઉકેલાય તે જરૂરી છે.

આ બેઠકમાં ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, ચાણસ્માના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર તથા પાટણના ધારાસભ્ય શ્રી કિરીટ પટેલે પોતપોતાના મત વિસ્તારના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના રસ્તા, પાણી, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓને લગતા લોકપ્રશ્નો રજૂ કર્યા હતા. 


જિલ્લા વિકાસ અધિકારીસી.એલ પટેલએ લોક પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી, સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે ઝડપી અને સકારાત્મક પગલાં ભરવા તાકીદ કરી હતી.


આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિત જિલ્લાના વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અહેવાલ : દિનેશ બી જાખેસરા, પાટણ