એક તરફ કડક વચનો... બીજી તરફ તપાસના સવાલો!
દેશમાં NEET 2026 પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જંતર-મંતર સહિત અનેક સ્થળોએ યુવાનો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોશિયલ મીડિયા અને જાહેર સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે પેપર લીક કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપથી કડક સજા કરવામાં આવશે.
આ નિવેદન લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બનીને આવ્યું.
પરંતુ બીજી તરફ, NEET 2024 પેપર લીક કેસમાં સામે આવેલા અહેવાલો એક અલગ જ પ્રશ્ન ઊભો કરે છે. CBIએ કોર્ટમાં જણાવ્યું કે મુખ્ય આરોપી તરીકે ચર્ચામાં રહેલા સંજીવ મુખિયાને પ્રશ્નપત્રની ચોરી અથવા તેના વિતરણ સાથે સીધો જોડતો પૂરતો પુરાવો તપાસ દરમિયાન મળ્યો નથી.
અહીંથી સૌથી મોટો સવાલ ઊભો થાય છે.
જો 2024ના કેસમાં તપાસ બાદ પૂરતા પુરાવા રજૂ થઈ શક્યા નથી, તો 2026માં કરવામાં આવેલા કડક વચનોનું પરિણામ શું આવશે? શું આ વખતે ખરેખર ઝડપથી અને મજબૂત પુરાવા સાથે કાર્યવાહી થશે? કે ફરી વર્ષો સુધી તપાસ અને કોર્ટની પ્રક્રિયા ચાલશે?
દેશના યુવાનો આજે માત્ર ભાષણો સાંભળવા માંગતા નથી. તેઓ પરિણામ જોવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે જે કોઈ દોષિત હોય તેને કાયદા મુજબ કડક સજા મળે અને જો કોઈ નિર્દોષ હોય તો તેને પણ ન્યાય મળે.
"ભાષણોમાં ફાસ્ટ-ટ્રેક, પરંતુ ન્યાયની ગતિ પણ એટલી જ ફાસ્ટ હશે કે નહીં, તેનો જવાબ હવે સમય આપશે."
"કડક સજાની જાહેરાતો ગાજે છે, પરંતુ કોર્ટમાં ટકી શકે એવા પુરાવા પણ એટલા જ મજબૂત હોવા જોઈએ."
યુવાનોનો પ્રશ્ન માત્ર એક જ છે— પેપર લીક અટકશે ક્યારે? કારણ કે દરેક લીક થયેલું પેપર માત્ર એક પરીક્ષા નહીં, પરંતુ લાખો વિદ્યાર્થીઓની મહેનત, વિશ્વાસ અને ભવિષ્ય સાથેનો ખેલ છે.
_✍️દિનેશ બી જાખેસરા, (પત્રકાર)
વાવ થરાદ મીડિયા_

0 ટિપ્પણીઓ