મૃતક મહિલા 
હારીજ કેનાલમાંથી મળેલા મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલાયો ; પતિ સહિત બે આરોપીની ધરપકડ, કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મંજૂર

                                                            પકડાયેલા આરોપીઓ 

પ્રેમ સંબંધમાં પત્ની અવરોધરૂપ બનતા પતિએ મિત્ર સાથે મળીને રચ્યું હત્યાનું કાવતરું

પાટણ જિલ્લાના હારીજ કેનાલમાંથી મળી આવેલા મહિલાના મૃતદેહના રહસ્ય પરથી આખરે પોલીસે પડદો ઉઠાવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પાટણ તાલુકા પોલીસની સઘન તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત સામે આવી છે. પ્રેમ સંબંધમાં પત્ની આડખીલી બનતા પતિએ પોતાના મિત્ર સાથે મળીને પૂર્વયોજિત કાવતરું રચી પત્નીની હત્યા કરી કેનાલમાં ફેંકી દીધી હોવાનું તપાસમાં ખુલ્યું છે.


                                                         પરેશ રેણુકા dysp, રાધનપુર 
      મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના ગોવના ગામની રહેવાસી મંજુલાબેન ઠાકોરનો મૃતદેહ થોડા દિવસો અગાઉ હારીજ કેનાલમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતમાં મહિલાએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું પતિ દ્વારા પોલીસ સમક્ષ જણાવવામાં આવ્યું હતું, પરંતુ ઘટનાની પરિસ્થિતિ અને પોલીસને મળેલા પ્રાથમિક પુરાવાઓને આધારે શંકા ઊભી થતાં સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.


પોલીસે મૃતકના પરિવારજનો, નજીકના લોકો તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા હતા. તપાસ દરમિયાન ટેકનિકલ પુરાવા, મોબાઇલ કોલ ડિટેઇલ્સ અને અન્ય મહત્વના તથ્યોના આધારે સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.


તપાસમાં સામે આવ્યું કે આરોપી પતિ સકતાજી ઠાકોરને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધને લઈને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી વારંવાર ઝઘડા થતા હતા. પત્ની સતત વિરોધ કરતી હોવાથી આરોપીએ પત્નીને રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેણે પોતાના સાગરિત કિશનભાઈ સાથે મળીને પૂર્વયોજિત કાવતરું ઘડ્યું હતું.



પોલીસ તપાસ મુજબ બંને આરોપીઓએ મહિલાને કબજામાં લઈને તેની હત્યા કરી હતી અને બાદમાં પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસરૂપે મૃતદેહ હારીજ કેનાલમાં ફેંકી દીધો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી પોલીસ અને પરિવારજનોને ગેરમાર્ગે દોરી શકાય. જોકે પોલીસની સતર્કતા અને સતત તપાસના કારણે આરોપીઓની ખોટી કહાની લાંબો સમય ટકી શકી નહોતી.


પાટણ તાલુકા પોલીસે આરોપી પતિ સકતાજી ઠાકોર અને તેના સાગરિત કિશનભાઈની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન હત્યામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો, ઘટનાક્રમ અને અન્ય સંડોવણી અંગે વધુ પૂછપરછ કરવામાં આવશે.


આ સમગ્ર કેસ અંગે ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને તમામ પુરાવાઓના આધારે હત્યાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. કેસમાં હજુ પણ કેટલીક મહત્વની વિગતો બહાર લાવવા માટે તપાસ ચાલુ છે.


રિપોર્ટ : દિનેશ બી જાખેસરા, પાટણ