પાટણ જિલ્લામાં તા.૨૫ ઓગસ્ટથી ખાતરના સુવ્યવસ્થિત વિતરણ માટે FSAS એપ્લિકેશનનો પ્રારંભ થશે*
*ખેડૂતો મોબાઈલ મારફતે ઘરબેઠા ખાતરનું અગાઉથી બુકિંગ કરી શકશે*
*દુકાનો પર અનાવશ્યક લાઈનોમાંથી મુક્તિ મળશે ડીલર પાસે ઉપલબ્ધ સ્ટોકની માહિતી મળશે*
*બુકિંગ કર્યાના ૪૮ કલાકમાં ખાતર ઉપાડી લેવાનું રહેશે: નાયબ ખેતી નિયામક (વિ.)*
પાટણ: ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસિડીયુક્ત ખાતરનું વિતરણ વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે મળી રહે તે માટે FSAS(Fertilizer Sale Application System) મોબાઈલ એપ્લિકેશન અમલમાં મૂકવામાં આવી છે.
આ નવીન પ્રણાલી હેઠળ ખેડૂત રિટેલ દુકાન કે સહકારી મંડળી પરથી ખાતર લેવા જાય તે પહેલાં પોતાના મોબાઈલથી જાતે જ ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ૧૨ જિલ્લાઓમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં આગામી તા.૨૫/૦૮/૨૦૨૬થી આ સિસ્ટમની અમલવારી શરૂ કરવામાં આવશે.
આ સિસ્ટમ અમલી બનવાથી જિલ્લાના ખેડૂતો ખાતર વિક્રેતા કે મંડળી ખાતેથી જરૂરી ખાતરનું મોબાઈલ દ્વારા અગાઉથી બુકિંગ કરી શકશે. પરિણામે દુકાનો કે મંડળીઓ પર લાગતી અનાવશ્યક લાઈનો અને ભીડમાંથી ખેડૂતોને મુક્તિ મળશે.
આ ઉપરાંત, ખેડૂતો ઘરબેઠા જ કયા ડીલર પાસે ખાતરનો કેટલો જથ્થો (સ્ટોક) ઉપલબ્ધ છે તેની ચોક્કસ માહિતી મેળવી શકશે.
દરેક વેચાણનો ડિજિટલ રેકોર્ડ લાઈવ રહેશે, જેનાથી વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને બોગસ કે નકલી ખરીદદારો સામે રક્ષણ મળી રહેશે.
એપ્લિકેશન દ્વારા ખાતરનો જથ્થો બુક કર્યા બાદ ખેડૂતે ૪૮ કલાકની અંદર સંબંધિત દુકાન કે મંડળી પરથી જઈને ખાતરનો જથ્થો મેળવી લેવાનો રહેશે. જો નિયત ૪૮ કલાકમાં ખાતર મેળવવામાં નહીં આવે, તો બુકિંગ આપોઆપ રદ થઈ જશે અને ખેડૂતે ફરીથી બુકિંગ કરાવવાનું રહેશે.
આ નવી ખાતર વેચાણ અંગેની મોબાઈલ એપ્લિકેશન વિશે વધુ માહિતી પાટણ જિલ્લાના રાસાયણિક ખાતરના વિક્રેતાઓ તેમજ સહકારી સંસ્થાઓ ખાતેથી મળી રહેશે.
આ અંગેની વધારાની વિગતો કે માર્ગદર્શન માટે તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), પાટણ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ : દિનેશ બિ જાખેસરા, પાટણ

0 ટિપ્પણીઓ